કાલથી પવિત્ર પુરૂષોત્મ માસ શરૂ: બહેનો ભકિતના રંગમાં રંગાશે

  • July 17, 2023 06:15 PM 

આવતીકાલથી ચાર વર્ષ બાદ પવિત્ર પરસોતમ મહીનાનો શુભારંભ થઇ રહ્યો છે, બહેનો ભકિતના રંગમાં રંગાય જશે અને આખો મહીનો ધાર્મિક પુજા વિધી કરીને ભગવાનને મનાવવા પુરેપુરી કોશીષ કરશે, આ વખતે ચોમાસુ પણ સારૂ છે, એટલે નદી કિનારે ગામડાઓમાં ભગવાનના પ્રિય એવા પરસોતમ મહીનામાં ગોરમાનુ પુજન કરીને એકટાણા, ઉપવાસ અને ધાર્મિક કાર્યો કરશે, જામનગરમાં પણ હવાઇચોક અને પંજાબ બેંકવાળી ગલીમાં ભગવાન પરસોતમજીનું મંદિર છે ત્યાં પણ તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે અને બહેનો દરરોજ ભગવાનની વિવિધ કથાઓ સાંભળીને પુણ્યનું ભાથુ બાંધશે, બીજી તરફ દ્વારકામાં આવેલ ગોમતી નદીમાં સ્નાન કરવું એ ધાર્મિક દ્રષ્ટિએ ખુબ જ મહત્વનું છે તેથી બહેનો ગોમતીમાં સ્નાન કરીને કાળીયા ઠાકોરને નમન કરશે. 


પવિત્ર પરસોતમ માસનું ખુબ જ મહત્વ છે, આ વખતે એક અધિક માસ એટલે કે પરસોતમ મહીનો આવ્યો છે અને ત્યારબાદ ભગવાન શંકરને પ્રિય એવો શ્રાવણ માસ આવશે, આ બે મહીનામાં અનેક ધાર્મિક કાર્યો કરવામાં આવતા હોય છે, ગામડાઓમાં પણ પરસોતમ મહીનાનું ખુબ જ મહત્વ છે, કારણ કે ગામડાઓમાં નદી કિનારે બહેનો સામુહીક રીતે જઇને સ્નાન કરીને ગોરમાનુ સ્થાપન કરીને પુજન વિધી કરે છે અને કેટલાક ગામડાઓમાં તો નદી કિનારે જ ભગવાન પરસોતમજીની કથા સાંભળે છે. 


આ ઉપરાંત મંદિરોમાં ભગવાનના વિવિધ રૂપના દર્શન કરાવવામાં આવશે, બહેનો દ્વારા ઉપવાસ, એકટાણા, ધારણા-પારણા,  મંદિરમાં ગોરમાની પુજા, પીપળા પુજન, બોરડીના ઝાડનું પુજન, ગાય માતાનું પુજન કરવામાં આવે છે, આ બધા પુજનવિધી કરવાથી પુણ્ય મળે છે, કેટલીક બહેનો ગામડાઓમાં થોડીક જમીનમાં ખેતર જેવું બનાવીને દાણા પણ વાવે છે અને ખેતર ખેડે એ બહેનો ભગવાનને ખુબ જ પ્રિય છે, ખેતર ખેડતા-ખેડતા ગોરમાના ગીતો પણ ગાવામાં આવે છે, નદી કિનારે સ્નાન કરવાથી ભગવાન પ્રસ્ન્ન થાય છે, જો કે આ વખતે વરસાદ પણ સારો થયો છે એટલે લગભગ ગામડાઓમાં ચેકડેમ અને નદીમાં પાણી આવી ગયું છે અને કેટલાક નદીઓમાં ઝરણા પણ વહે છે. 


જામનગરમાં રાજાશાહી વખતમાં બંધાયેલું હવાઇચોકમાં આવેલું પરસોતમ ભગવાનનું મંદિર આવેલું છે ત્યાં બહેનો આવતીકાલથી ત્યાં ઉમટી પડશે, આ ઉપરાંત પંજાબ નેશનલ બેંકની ગલીમાં પણ ભગવાન પરસોતમજીનું મંદિર આવેલું ત્યાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે, એટલું જ નહીં સંતવાણી જેવા કાર્યક્રમો તેમજ અન્નકુટ દર્શન, વિશિષ્ટ પુજા, ભગવાનને શણગાર, મહાઆરતી જેવા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 


પરસોતમ માસ બાદ પવિત્ર શ્રાવણ મહીનો આવે છે, એટલે ધર્મ પ્રેમી ભાઇ-બહેનો આ બે મહીનામાં વધુ પુજા-પાઠ કરશે, પરંતુ પરસોતમ મહીનામાં તો બહેનો ગોરમાનું પુજન કરે છે, આવતીકાલથી જામનગર ઉપરાંત દ્વારકા, કાલાવડ, ધ્રોલ, ખંભાળીયા, જોડીયા, ફલ્લા, લાલપુર, ભાણવડ, રાવલ, ભાટીયા, જામજોધપુર સહિતના ગામોમાં ભગવાન પરસોતમજીની જય હો અને ગોરમા બોલ્યા રે, મારી મા બોલ્યા રે તેવા ગીતોથી ભગવાન પરસોતમજીનું મંદિર ગુંજી ઉઠશે અને દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરવા માટે પણ લોકોનો જમાવડો થશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application