BREAKING NEWS

જામનગર: ધ્રોલમાં અષાઢી બીજના પાવન પર્વે ભવ્ય રથયાત્રા અને નવચંડી યજ્ઞ

  • July 17, 2026 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  

જામનગર: ધ્રોલમાં અષાઢી બીજના પાવન પર્વે ભવ્ય રથયાત્રા અને નવચંડી યજ્ઞ

શહેરના મુખ્ય માર્ગો પર રથયાત્રાનું વિવિધ સમાજના આગેવાનો દ્વારા સ્વાગત

ધ્રોલ શહેરમાં અષાઢી બીજના પવિત્ર અને મંગલકારી અવસરે સમસ્ત ભરવાડ સમાજ તથા આઈ શ્રી મરછો મિત્ર મંડળ દ્વારા આયોજિત ૧૭મો અષાઢી બીજ મહોત્સવ ખૂબ જ હર્ષોલ્લાસ અને ધાર્મિક વાતાવરણમાં સંપન્ન થયો છે. આ પાવન પ્રસંગે આયોજિત નવચંડી મહાયજ્ઞમાં સવારે ૯ થી બપોરે ૧ વાગ્યા સુધી ભૂદેવોના મંત્રોચ્ચાર અને પવિત્ર આહુતિઓ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું, જેમાં યજમાનોએ બેસીને આહુતિ આપી ધન્યતા અનુભવી હતી.

આ ધાર્મિક મહોત્સવના મુખ્ય આકર્ષણ સમાન ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન દ્વારકાના પરમ પૂજ્ય મહંત શ્રી બાલારામ બાપુની પાવન ઉપસ્થિતિમાં સવારે ૯:૩૦ કલાકે વૈદિક મંત્રોચ્ચાર અને આરતી સાથે કરવામાં આવ્યું હતું. જોડિયા રોડ સ્થિત ભરવાડ સમાજની વાડીએથી ભક્તિભાવપૂર્વક નીકળેલી આ રથયાત્રા નગરભ્રમણ અર્થે ગાંધી ચોક અને મેઈન બજાર જેવા મુખ્ય માર્ગો પર ફરીને આઈ શ્રી મરછો માતાજીની જગ્યા (નીજ મંદિર) ખાતે પહોંચી હતી. રથયાત્રા દરમિયાન સમગ્ર ભરવાડ સમાજ પરંપરાગત ઢોલના ધબકારે અને ડીજેના તાલે હૂડો તથા બેસણીના રાસની જમાવટ કરીને ભક્તિના રંગે રંગાયો હતો. 

ધ્રોલ શહેરના અલગ-અલગ સમાજો અને અગ્રણીઓ દ્વારા રથયાત્રાનું ભાવભેર અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ સેવાભાવી મંડળો દ્વારા દર્શનાર્થીઓ માટે ઠંડા પીણાં અને છાસની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. બપોરે રથયાત્રા નીજ મંદિરે પૂર્ણ થયા બાદ ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓએ શ્રદ્ધાપૂર્વક મહાપ્રસાદ અને ફરાળ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર મહોત્સવને સફળ બનાવવા સમસ્ત ભરવાડ સમાજ અને આઈ શ્રી મરછો માતાજી મિત્ર મંડળના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application