જામનગરમાં કથા સાંભળવા ગયેલી છ મહિલાઓના સોનાના ચેનની ચોરી
જામનગરના શરૂ સેકશન રોડ આવાસની સામે પટેલ વાડી ખાતે કથા સાંભળવા ગયેલી છ મહિલાઓના કિંમતી સોનાના ચેન કોઇ અજાણી મહિલાઓ દ્વારા શેરવીને ચોરી કરવામાં આવતા ભારે દોડધામ મચી ગઇ હતી અને મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો છે, છ મહિલાના આશરે ૧૨.૫ તોાલા વજનના અને અંદાજે ૪.૪૫ લાખની કિંમતના સોનાના ચેન પેડલ સહિત લઇ લેવામાં આવ્યા છે આ અંગેની ફરીયાદના આધારે પોલીસે સીસી કેમેરા ચેક કરવા સહિતની તપાસ લંબાવી છે.
જામનગરના સાંઢીયાપુલ પાસે આવેલ માધવબાગ-૧ શેરી નં. ૫માં રહેતા ડાહીબેન રતીલાલ ડાભી (ઉ.વ.૩૫) નામના મહિલાએ ગઇકાલે સીટી-બી ડીવીઝનમાં અજાણી મહિલાઓ વિરુઘ્ધ સોનાના ચેન ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવી છે જેના આધારે પોલીસ દ્વારા તપાસ લંબાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કથા સ્થળે ગીર્દીનો લાભ લઇને ચોર મહીલાઓ દ્વારા કુલ છ મહિલાઓના સોનાના ચેન ચોરી થયાનું ફરીયાદમાં જણાવાયુ છે.
આ અંગેની વિગત મુજબ ફરીયાદી ડાહીબેન ડાભી તા. ૨૯ના રોજ શહેરના શરૂ સેકશન રોડ પર સરલાબેન આવાસની સામે આવેલ પટેલ વાડી ખાતે કથા સાંભળવા માટે ગયા હતા. ત્યાં કથા પુરી થતા પ્રસાદ લેવા જતા વધુ ભીડ થઇ જતા અહીં કથામાં આવેલ કોઇ અજાણી મહિલા ચોરે ભીડનો ગેરલાભ લઇને નજર ચુકવી ફરીયાદીનો આશરે દોઢ તોલાનો ૬૦ હજારની કિંમતનો સોનાનો ચેઇન શેરવી લીધો હતો.
આ ઉપરાંત સાહેદ વાસંતીબેન મનોજભાઇ નંદાનો એક તોલુ ૮ ગ્રામ ૫૦ હજારની કિંમતનો સોનાનો ચેન, પ્રતીક્ષાબેન પરેશભાઇ ઘુંચલાનો પેડલ સહિતનો આશરે ૩ તોલાનો સોનાનો ચેન જેની કિ. દોઢ લાખ તથા જયાબેન દયાશંકરભાઇ રવિયાનો ૩ તોલા ૫ ગ્રામ પેડલ સહિતનો આશરે ૧.૨૦ લાખની કિંમતનો ચેન, દશરથબા રવિસિંહ જાદવનો દોઢ તોલાનો ૩૫ હજારની કિંમતનો સોનાનો ચેન, રક્ષાબેન પ્રકાશચંદ્ર તાળાવાળાનો સવાતોલાનો સોનાનો ચેનનો ટુકડો, આમ કુલ ૬ મહિલાઓના સોનાના ચેન, બે પેડલ સહિત આશરે ૧૨.૫ તોલા જેની કુલ ૪.૪૫ લાખની કોઇ અજાણી મહિલા ચોરી કરીને લઇ ગઇ હતી.
આ અંગેની વિગતો સામે આવતા ફરીયાદ નોંધાવવામાં આવી છે, જેના આધારે સીટી-બી પીઆઇ ઝાની સુચનાથી પીએસઆઇ એમ.વી. મોઢવાડીયા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. પોલીસ દ્વારા આરોપી મહિલાનુ પગેરૂ દબાવવામાં આવ્યુ છે અને સ્થળ પરના સીસી ફુટેજ ચેક કરવામાં આવ્યા હતા.
બીજી બાજુ સુત્રોમાંથી એવી વિગતો જાણવા મળી છે કે, કથા સ્થળે ભીડનો લાભ લઇને મહિલાઓ દ્વારા કથા સાંભળવા આવેલી સેવાભાવી મહિલાઓના સોનાના ચેન શેરવી લેવામાં આવતા ભારે ચકચાર મચી ગઇ હતી, એક ચોર મહિલા ચેન અન્ય મહિલાનો શેરવતી વેળાએ જાણ થઇ જતા દેકારો બોલી ગયો હતો અને હાથાપાઇ પણ થઇ હતી, દરમ્યાનમાં પોલીસને બોલાવવામાં આવી હતી જે બાબતે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.