ચીન અને અમેરિકામાં માંગ ઓછી થતાં જેમ્સ અને જ્વેલરીની નિકાસમાં ઘટાડો

  • July 19, 2023 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

42 બિલિયન ડોલરની નિકાસના લક્ષ્યમાં 10 થી 15 ટકાનો ઘટાડો થઈ શકે



ચીન અને અમેરિકામાં માંગમાં ઘટાડાથી ચાલુ નાણાકીય વર્ષમાં જેમ્સ અને જ્વેલરીની નિકાસમાં ઘટાડો થઈ રહ્યો હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે.જીજેઈપીસીના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું હતું કે અમેરિકા અને ચીન જેવા મોટા બજારોમાં ઘટતી માંગને કારણે વર્તમાન નાણાકીય વર્ષમાં જેમ્સ અને જ્વેલરીની નિકાસમાં 10 થી 15 ટકાનો ઘટાડો થઈ શકે છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી) અનુસાર નાણાકીય વર્ષ 2022-23માં જેમ્સ અને જ્વેલરીની નિકાસ વાર્ષિક ધોરણે 2.48% વધીને રૂ. 3,00,462.52 કરોડ એટલેકે 36 અબજ ડોલરથી વધુ થઈ છે.



જીજેઈપીસીના ચેરમેને જણાવ્યું હતું કે વાણિજ્ય મંત્રાલયે 2023-24માં જેમ અને જ્વેલરીની નિકાસ માટે 42 બિલિયન ડોલરનું લક્ષ્ય નક્કી કર્યું છે. શાહે ઉમેર્યું હતું કે જેમ્સ એન્ડ જ્વેલરીના મુખ્ય બજારો અમેરિકા અને ચીન છે અને ત્યાં તેની માંગ ધીમી પડી રહી છે. વધતા વ્યાજ દર અને મોંઘવારી જેવી ચિંતાઓ વચ્ચે ગ્રાહકોનો વિશ્વાસ પણ ઘટી રહ્યો છે.



માર્ચમાં પૂરા થતા વર્તમાન નાણાકીય વર્ષ માટે અંદાજ અંગે તેમણે કહ્યું, “અમારો અંદાજ છે કે એકંદરે અમે જેમ્સ અને જ્વેલરીની નિકાસમાં 10 થી 15% નો ઘટાડો જોઈ શકીએ છીએ.”



નોંધનીય છે કે ભારતમાંથી દર વર્ષે થતી હીરા-ઝવેરાતની નિકાસમાં હીરાનો હિસ્સો 55 ટકા છે. ભારત હીરાની નિકાસ કરતા મોટા દેશોમાંનો એક છે. આ વર્ષે, વાણિજ્ય મંત્રાલયે ડાયમંડ જ્વેલરીની નિકાસ માટે $42 બિલિયનનો લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ આ વર્ષે આ આંકડો નિર્ધારિત લક્ષ્ય કરતાં ઘણો ઓછો રહેવાની ધારણા છે.


જેમ્સ એટલે કે રત્નોના વૈજ્ઞાનિક અભ્યાસને જેમોલોજીકહેવામાં આવે છે અને આ ક્ષેત્રમાં કામ કરતા વ્યાવસાયિકો રત્નશાસ્ત્રી છે. રત્નશાસ્ત્ર એ રત્નોને ઓળખવાની કળા છે. ભૂ-વિજ્ઞાનમાં તેને ખનિજ વિજ્ઞાનની શાખા ગણવામાં આવે છે. જેમાં પ્રાકૃતિક રત્નોની ઓળખ અને તેમાં રહેલી ખામીઓની તપાસ શીખવવામાં આવે છે. જેમાં કટીંગ, સોર્ટિંગ, ગ્રેડિંગ, વેલ્યુએશન, ડિઝાઈન, મેટલ કન્સેપ્ટ, મેટલર્જિકલ પ્રક્રિયા અને રત્નોની આભૂષણની ડિઝાઈનિંગ સમજાવવામાં આવી છે. કામના આધારે રત્નશાસ્ત્રીઓ ઘણા પ્રકારના હોય છે. જો માંગ અને ઉત્પાદન ઉપર અસર પડે તો આ ક્ષેત્રના નિષ્ણાંતોની રોજગારી ઉપર પણ અસર પડી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application