જામનગર: તમાચણ રેલવે ફાટક ખાતે ગેટકીપર પર હુમલો
ફરજમાં રૂકાવટ અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડાયું : ફાટક ખોલવાની જીદમાં થાર જીપના ચાલકે કરી બબાલ
જામનગર તાલુકાના તમાચણ ગામ પાસે આવેલી રેલવે ફાટક પર ફરજ બજાવી રહેલા ગેટકીપર પર થાર કારના ચાલકે હુમલો કરી સરકારી ફરજમાં કાવટ ઉભી કરી હતી. એટલું જ નહીં આરોપીએ રેલવે ઓફિસમાં તોડફોડ કરી સરકારી મિલકતને પણ નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પંચકોષી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
પંચકોષી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ ૧૨૧(૧), ૩૫૨, ૩૫૧(૩), ૩૨૯(૩) તેમજ પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ કલમ ૩ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
જાલીયા દેવાણી રેલ્વે સ્ટેશન કવાટર ખાતે રહેતા મુળ રાજસ્થાનના ગંગાપુરના વતની ફરિયાદી અમરસિંહ પ્યારેલાલ મીણા (ઉ.વ. ૩૧), રેલવે ગેટકીપર તરીકે ફરજ બજાવે છે. તેઓ તા.૦૯/૦૫/૨૦૨૬ના રોજ બપોરે આશરે ૨:૨૦ વાગ્યે તમાચણ ગામની રેલવે ફાટક નં. એલ.સી.-૧૬૩ ખાતે ફરજ પર હાજર હતા. દરમિયાન ટ્રેન આવવાની હોવાથી તેમણે નિયમ મુજબ રેલવે ફાટક બંધ કર્યો હતો.
તે સમયે થાર કાર નં. જીજે૩ એનપી-૫૯૩૦નો ચાલક ત્યાં આવ્યો હતો અને કાર ઊભી રાખી ગેટકીપરની ઓફિસમાં ઘૂસી ગયો હતો. આરોપીએ મારે ઉતાવળ છે, ફાટક ખોલ કહી દબાણ કર્યું હતું. પરંતુ ટ્રેન પસાર ન થાય ત્યાં સુધી ફાટક ખોલવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો.
આરોપીએ ગેટકીપરને ગાળો બોલી તેમના મોઢા પર ઝાપટ મારી હતી તેમજ ડાબા હાથમાં નખ ભરાવી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ ઓફિસમાં રહેલો ટેલિફોન તોડી સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું. ઉપરાંત ગેટકીપરને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમની સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી. આ બનાવ અંગે પંચકોશી-એ ડિવિઝન પોલીસ મથકના એએસઆઈ એસ.જી. જાડેજાએ થાર કારના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.