જામનગર: કાલાવડ-રણુંજા હાઇવે પર બાઇકની ટકકરમાં પરિવારના ચાર સભ્યને ઇજા
પિતા-પુત્રને પગમાં ગંભીર ઇજા થઇ : મોટરસાયકલ ચાલક સામે રાવ
કાલાવડ-રણુંજા હાઇવે પર બે મોટરસાયકલ વચ્ચે ટકકર થતા આજીડેમ ચોકડી વિસ્તારમાં રહેતા દંપતી અને બે બાળકોને શરીરે નાની મોટી ઇજાઓ પહોચી હતી, આ બનાવ અંગે મોટરસાયકલના ચાલક સામે ફરીયાદ કરવામાં આવી હતી જયારે ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
આજી ડેમ ચોકડી, માંડા ડુંગર વિસ્તાર ભીમરાવનગર ખાતે રહેતા પ્રકાશ પીઠાભાઇ રાઠોડ (ઉ.વ.૩૬) નામના યુવાને ગઇકાલે કાલાવડ ટાઉન પોલીસમાં હિરો ડીલક્ષ મોટરસાયકલ નં. જીજે૩ટીબી-૦૨૯૫ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.
તા. ૧૬ના રોજ કાલાવડ-રણુંજા હાઇવે પર આરોપીએ પોતાની બાઇક પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી ફરીયાદીના સ્પ્લેન્ડર નં. જીજે૧૩એજી-૮૮૧૩ સાથે સામેથી ભટકાડી અકસ્માત સર્જયો હતો જેમાં ફરીયાદી તથા તેમના પત્ની અને બંને બાળકોને પછાડી દીધા હતા, અકસ્માતમાં ફરીયાદીને પગમાં ગંભીર ઇજા, ૧૧ વર્ષના પુત્ર રૂદ્રને સાથળના ભાગે ગંભીર ઇજા, ફરીયાદીના પત્ની હીનાબેન (ઉ.વ.૩૧)ને મુંઢ ઇજા અને નાના પુત્ર રિયાંશને માથામાં તથા શરીરે ઇજા પહોચી હતી.