BREAKING NEWS

જામનગરમાં ટેબલ પર પગ ચડાવી ફરજ બજાવનાર મનપાના ઇજનેરને નોટીસ

  • July 18, 2026 01:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ટેબલ પર પગ ચડાવી ફરજ બજાવનાર મનપાના ઇજનેરને નોટીસ

અયોગ્ય વર્તનનો વીડીયો વાયરલ થતાં પાંચ દીવસમાં ખુલાસો કરવા તાકીદ 

ગોકુલનગર ઇએસઆર ઝોનમાં બનેલા બનાવની મહાનગરપાલીકામાં ભારે ચર્ચા 
 
જામનગરમાં ગોકુલનગર ઇએસઆર ઝોનમાં ટેબલ પર પગ ચડાવી ફરજ બજાવનાર અને અયોગ્ય વર્તન કરનાર મનપાના જુનીયર ઇજનેરનો વીડીયો વાયરલ થતાં વોટર વર્કસ વિભાગ દ્વારા જુનીયર ઇજનેરને નોટીસ ફટકારવામાં આવી છે. જેમાં આ બનાવ અંગે પાંચ દીવસમાં ખુલાસો કરવા તાકીદ કરવામાં આવી છે. આ બનાવે મહાનગરપાલીકામાં ભારે ચર્ચા જગાવી છે.

જામનગરમાં છાશવારે સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સહકર્મીઓ તથા અરજદારો સાથે અયોગ્ય વર્તનની ફરિયાદો ઉઠી રહી છે. તાજેતરમાં મહાનગરપાલીકાની સોલીડ વેસ્ટ શાખામાં બે કર્મચારી વચ્ચે બોલાચાલી થઇ હતી અને એક કર્મચારીએ અન્ય કર્મચારીને ફડાકો ઝીંકો દીધો હતો. આ પ્રકરણ પોલીસ સુધી પહોંચતા મનપામાં આ બનાવ ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. આ બનાવના ગણતરીના દીવસો પછી મનપાના એક અન્ય કર્મચારીનો અણછાજતા વર્તનનો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે. આથી આ કર્મચારીને મનપાના સંબધિત વિભાગ દ્વારા નોટીસ ફટકારી ખુલાસો પુછવામાં આવ્યો છે. 

મળતી માહીતી અનુસાર ગોકુલનગર ઇએસઆર ઝોનમાં જુનીયર ઇજનેર તરીકે ફરજ બજાવતો વિક્રમ ચાલુ ફરજ દરમ્યાન ટેબલ પર પગ ચડાવી બેઠો હોય અને સામે ઉભેલા સહકર્મી કે અરજદાર સાથે અણછાજતું વર્તન કરતો વીડીયો વાયરલ થયો હતો. આથી મનપાના વોટર વર્કસ વિભાગના ઉચ્ચ અધિકારી દ્વારા આ જુનીયર ઇજનેરને નોટીસ ફટકારી આ બાબતે પાંચ દીવસમાં ખુલાસો કરવા તાકીદ કરવામાં આવી છે. આ બનાવ પણ મહાનગર પાલીકામાં ભારે ચર્ચાનો મુદો બન્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application