દ્વારકા જિલ્લામાં સર્જાયેલા જુદા જુદા અકસ્માતમાં ચાર મોત
કલ્યાણપુર પાસે બાઇક ચાલક પ્રૌઢનો ભોગ: કારની ઠોકરે લાંબા ગામની પરિણીતાનું મૃત્યુ: ખંભાળિયા નજીક બાઈક સ્લીપ થતા યુવાનનું મૃત્યુ: ભેખડ ધસી પડતા ગાંધવી ગામના યુવાનનું મોત
દ્વારકા જિલ્લામાં ચાર જુદા જુદા સ્થળે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં એક પ્રૌઢ સહિત ચારના મૃત્યુ નિપજ્યા છે.
કલ્યાણપુર તાલુકાના ટંકારીયા ગામે રહેતા ભીખાભાઈ લગારીયા નામના આહીર પ્રૌઢ શનિવારે બપોરે કલ્યાણપુરથી ટંકારીયા ગામે પોતાના જી.જે. ૩૭ સી. ૮૦૯૬ નંબરના મોટરસાયકલ પર બેસીને રાણાભાઈ જાદવની સાથે આવી રહ્યા હતા.આ દરમ્યાને કલ્યાણપુરથી આશરે ૭ કિલોમીટર દૂર રાવલ - ભાટીયા રોડ પર આવેલી સર્વોદય સ્કૂલની વાડીની બાજુમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ રાવલ ગામ તરફથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. ૩૭ ટી. ૪૩૯૯ નંબરના એક બોલેરોના ચાલકે ગોલાઈ પાસે તેમને તેમના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેના કારણે ભીખાભાઈ લગારીયાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે તેમની સાથે જઈ રહેલા બાઈક ચાલક રાણાભાઈને પણ ફ્રેક્ચર સહિતની નાની-મોટી ઈજાઓ સાથે વધુ સારવાર અર્થે ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.બનાવ અંગે કલ્યાણપુર પોલીસે મૃતકના પુત્ર ગોવિંદભાઈ ભીખાભાઈ લગારીયા (ઉ.વ. ૨૫, રહે. ટંકારીયા) ની ફરિયાદ પરથી બોલેરોના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા પુરીબેન વેજાણંદભાઈ ગોજીયા નામના ૨૮ વર્ષના આહિર મહિલાને તેમના ઘર પાસેથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા એક અજાણ્યા ઈક્કો કારના ચાલકે પાછળથી અડફેટે લેતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેના કારણે તેણીનું મૃત્યુ નિપજ્યું હતું.બનાવ અંગે મૃતકના પતિ વેજાણંદભાઈ રણમલભાઈ ગોજીયા (ઉ.વ. ૨૯, રહે. લાંબા) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે અજાણ્યા ઈક્કો કાર ચાલક સામે ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ..એન. વાળા દ્વારા હાથ ધરવામાં આવી છે.
ખંભાળિયા તાલુકાના ફોટ ગામે રહેતા હસમુખભાઈ ગોવિંદભાઈ જોશી નામના ૪૭ વર્ષના યુવાન પોતાના મોટરસાયકલ પર લાલપરડા ગામથી જૂની ફોટ ગામે થઈ રહ્યા હતા. આ દરમ્યાન માર્ગમાં કોઈ કારણોસર તેમનું મોટરસાયકલ સ્લીપ થઈ જતા તેઓ બાઈક સાથે ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતમાં તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ રક્ષાબેન હસમુખભાઈ જોશીએ પોલીસને કરી હતી.
કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામે રહેતા રામભાઈ લાખણશીભાઈ કારાવદરા નામના ૩૦ વર્ષના યુવાન શનિવારે ગાંધવી ગામે આવેલા રાતુ તળાવમાં માટી મોરમ ભરવા ગયા હતા. ત્યારે તેમના ટ્રેક્ટર પર મોટી ભેખડ ધસી પડતા આ ભેખડ હેઠળ દબાઈ જવાના કારણે તેમનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ ભરતભાઈ ભીમાભાઈ કારાવદરાએ સ્થાનિક પોલીસને કરી છે. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.