લાલપુર ચોકડી પર રૂ.૬૪.૯૧ કરોડના ખર્ચે બનશે ફલાય ઓવરબ્રિજ

  • January 11, 2023 10:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨૦૨૩નું વર્ષ જામનગર મહાનગરપાલિકા માટે શુકનવંતુ સાબિત થઇ રહ્યું છે, અગાઉ પાસ થઇ ગયેલા પ્રોજેકટ હવે ધીરે-ધીરે શરૂ થઇ રહ્યા છે, આગામી એક મહીના બાદ લાલપુર બાયપાસ ચોકડી ઉપર ફોરલેન એલીમેટેડ ફલાય ઓવરબ્રિજનું કામ શરૂ થઇ જશે, તા.૧૦ ઓકટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ કામનું ખાતમુર્હુત થયું હતું, ટેન્ડરીંગ પ્રક્રિયા પુરી થઇ ગઇ છે, હવે ફકત માર્ગ અને મકાન વિભાગ પાસે સ્ટ્રકચર ડ્રોઇંગની મંજુરી લેવાની બાકી છે ત્યારે આ ફલાય ઓવરબ્રિજ બનતા વાહન ચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડતો હતો તેમાંથી મુશ્કેલી સાવ ઓછી થઇ જશે. આમ, જામનગરને ફરીથી એક નવલા નજરાણા સમાન ફલાય ઓવરબ્રિજ મળશે. 


અગાઉ તે વખતના કૃષિ મંત્રી આર.સી.ફળદુ, સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભાજપના શહેર પ્રમુખ ડો.વિમલ કગથરા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર બિનાબેન કોઠારી અને સ્ટે.કમિટીના ચેરમેન મનીષ કટારીયાએ ખુદ મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત કરીને જામનગરના આ ફલાય ઓવરબ્રિજને મંજુરી આપવા સતત રજૂઆત કરી હતી, તેમની માંગણીને ઘ્યાનમાં રાખીને મુખ્યમંત્રી જામનગર આવ્યા ત્યારે પદાધિકારીઓએ કરેલી રજૂઆતને તરત જ સફળતા મળી હતી અને મુખ્યમંત્રીએ ટેન્ડર બહાર પાડવાની પણ મંજુરી આપી દીધી હતી. 


લાલપુર બાયપાસ જંકશન પર ફોરલેન એલીવેટેડ ફલાય ઓવરબ્રિજ બનાવવાનું કામ આવતા મહીને શરૂ થઇ જશે ત્યારે રૂ.૬૪.૯૧ કરોડના કામ માટે રણજીત ક્ધસ્ટ્રકશન અમદાવાદને આ કામ સોંપી દેવાયું છે, એટલું જ નહીં અમદાવાદની કસાડ ક્ધસલટન્ટસ પ્રા.લી.ને કામ અપાયું છે ત્યારે તા.૧૦-૧૦-૨૨ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ કામનું ખાતમુર્હુત કર્યુ હતું, ક્ધસલટન્ટ દ્વારા સ્ટ્રકચર ડ્રોઇંગ તૈયાર કરીને માર્ગ અને મકાન વિભાગ ખાતાને મોકલી દેવાયું છે અને થોડા સમયમાં એપ્રુવ થઇને આવી જશે. 


જામનગરના વિકાસ કામોમાં વધુ એક નવું છોગુ ઉમેરાશે, લગભગ દોઢેક વર્ષમાં આ કામ પૂર્ણ થઇ જશે, આ રસ્તા ઉપર ટ્રાફિકની ખુબ જ સમસ્યા હતાં, જેથી આ કામ શરૂ થઇ જતાં હવે રાહત અનુભવાશે. બે એજન્સીઓ દ્વારા આ કામના ટેન્ડરો ભરવામાં આવ્યા હતાં, આખરે હવે આ કામ નકકી થઇ જતાં જામનગરવાસીઓમાં પણ ખુશીની લહેર દોડી ગઇ છે. 
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application