જામનગર: પટેલ કોલોની વિસ્તારમાં બંધ મકાનમાં આગથી દોડધામ
ફાયર બ્રિગેડે સમયસર આગને કાબુમાં લીધી
જામનગર શહેરના પટેલ કોલોની, શેરી નંબર-૮ વિસ્તારમાં આવેલ એક બંધ રહેણાંક મકાનમાં રવિવારે બપોરે અચાનક આગ લાગવાની ઘટના બનતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.
પ્રાથમિક માહિતી મુજબ, બંધ મકાનમાં પડેલા કચરાના ઢગલામાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ભભૂકી ઊઠી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ જામનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
જાણ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીના એક ટેન્કરના મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. સમયસર કાર્યવાહી થતાં આગ વધુ ફેલાતી અટકાવી શકાઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ હોવાનું સામે આવ્યું નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.