ખંભાળીયા: પ્રોહીબિશનના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી દ્વારકા એલસીબી
ભાણવડના મોડપર પાસેથી ભરત દેવા મોરીને ઝડપી પાડ્યો
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ. જોષી અને તેમની ટીમ કાર્યરત હતી.
એલ.સી.બી.ની ટીમ જ્યારે પેટ્રોલીંગ અને વર્કઆઉટમાં હતી, તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા અને વેજાણંદભાઇ બેરાને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ભાણવડ તાલુકાના મોડપર બસ સ્ટેશન પાસેથી એક આરોપીને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીની ઓળખ ભરતભાઇ દેવાભાઇ મોરી (ઉંમર વર્ષ ૨૯, ધંધો માલધારી, મૂળ રહેવાસી બાળાનેશ, હાલ રહેવાસી મોટા કાલાવડ, તા. ભાણવડ, જી. દેવભૂમિ દ્વારકા) તરીકે થઈ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલો આ આરોપી રાજકોટ જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં લાંબા સમયથી નાસતો ફરતો હતો. એલ.સી.બી. પોલીસે આરોપીને પકડી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપ્યો છે, જ્યાંથી તેને ભાયાવદર પોલીસ સ્ટેશન મોકલવામાં આવશે.
આ સફળ કામગીરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ. જોષીની રાહબરી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એમ. દેવમુરારી, એમ.આર. સવસેટા, એસ.વી. કાંબલીયા તેમજ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા અને વેજાણંદભાઇ બેરા સહિતની એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવી હતી.