જામનગર જિલ્લાના પશુપાલકો માટે અતિવૃષ્ટિ દરમિયાન કાળજી રાખવાની માર્ગદર્શિકા જાહેર કરાઈ

  • May 14, 2024 05:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના પશુપાલકો માટે અતિવૃષ્ટિ દરમિયાન કાળજી રાખવાની માર્ગદર્શિકા જાહેર કરાઈ

જામનગર તા.14 મે, જામનગર જિલ્લાના પશુપાલકો માટે વર્ષાઋતુ- 2024 અન્વયે અતિવૃષ્ટિ અને વાવાઝોડા દરમિયાન પશુઓની કાળજી રાખવાની માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. જેમાં જણાવ્યા અનુસાર, પશુપાલકોએ 72 કલાક ચાલે તેટલો ઘાસચારો અને પાણીનો સંગ્રહ સુરક્ષિત જગ્યાએ કરી રાખવો જોઈએ. પશુ માલિકે ઉપલબ્ધ ઘાસચારો જો ખુલ્લી જગ્યામાં સંગ્રહ કર્યો હોય, તો તેને તાલપત્રીથી વ્યવસ્થિત રીતે ઢાંકીને યોગ્ય વજનથી દબાવી દેવો જોઈએ.

વાવાઝોડા સમયે પશુઓને સાંકળથી ખીલે ન બાંધતા પાકી સંરક્ષણ દીવાલ હોય તેવી સલામત જગ્યાએ રાખવા. પશુપાલકો પાસે માલિકીની પાકી જગ્યા ઉપલબ્ધ ન હોય, તો ગામમાં સાર્વજનિક સલામત જગ્યાઓ જેવી કે ગામની ગૌશાળા ખાતે પશુઓનું સ્થળાંતર કરાવવું જોઈએ. વાવાઝોડા બાદ ઈજાગ્રસ્ત થયેલા અને બીમાર પશુઓની તાત્કાલિક ધોરણે સારવાર કરાવવી જોઈએ. જો પશુઓમાં રોગચાળો જણાય તો તેમનું તાત્કાલિક રીતે રસીકરણ કરાવવું. 

પશુપાલકોએ સંબંધિત આસપાસના વિસ્તારના પશુચિકિત્સકોની ફોન નંબર સાથેની માહિતી હાથવગી રાખવી જોઈએ અને તેમનો જરૂર જણાયે સંપર્ક કરવો. પશુઓને નિચાણવાળા, પાણી ભરાય તેવા, વહેતા નદી કે ઝરણાં પાસેના સ્થળોએ ન બાંધવા જોઈએ. પશુઓને વીજળીના થાંભલા, વીજ વાયરથી નજીકના સ્થળોએ ન બાંધવા. પશુઓને કાચા, જર્જરીત રહેઠાંણ કે વૃક્ષ નીચે આશ્રય ન આપવો. વાવાઝોડા દરમિયાન પશુઓને બહાર ચરવા માટે ન લઈ જવા જોઈએ. 

આ અંગે કોઈપણ બાબતની વધુ જાણકારી મેળવવા માટે જે-તે નજીકના પશુ દવાખાના ખાતે સંપર્ક સાધી શકાશે. તેમ નાયબ પશુપાલન નિયામકશ્રી ડો.તેજસ શુક્લ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News