'છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલા પુનર્લગ્ન પછી પણ ભરણપોષણની હકદાર', બોમ્બે હાઈકોર્ટેનો મોટો ચુકાદો

  • January 07, 2024 04:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોમ્બે હાઈકોર્ટે છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાના ભરણપોષણ ભથ્થાને લઈને મહત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આવી મહિલા પુનર્લગ્ન પછી પણ ભરણપોષણ મેળવવા માટે હકદાર છે. કોર્ટે આ અધિકારને મુસ્લિમ મહિલા (છૂટાછેડા પરના અધિકારોનું રક્ષણ) અધિનિયમ 1986 (MWPA)ની જોગવાઈઓ પર આધારિત આપ્યો છે. કેસ સાથે જોડાયેલા તથ્યો પર વિચાર કર્યા બાદ કોર્ટે કહ્યું કે MWPA કાયદો મુસ્લિમ મહિલાઓના અધિકારોની સુરક્ષા માટે લાવવામાં આવ્યો છે. આ કાયદો પુનર્લગ્ન પછી પણ મુસ્લિમ મહિલાના ભરણપોષણના અધિકારનું રક્ષણ કરે છે. પત્નીને ભરણપોષણ આપવાના આદેશ સામે પતિએ હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે.


જસ્ટિસ રાજેશ પાટીલે કહ્યું હતું કે MWPAની કલમ 3(1A) હેઠળ એવી કોઈ શરત નથી કે જે મુસ્લિમ મહિલા ફરી લગ્ન કરે તો તેને ભરણપોષણના અધિકારથી વંચિત રાખે. તેથી મહિલાના પૂર્વ પતિની અરજી પર વિચાર કરી શકાય નહીં. અરજીમાં મહિલાને ભરણપોષણ ભથ્થું આપવાના મેજિસ્ટ્રેટ અને સેશન્સ કોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો.


આ કેસમાં સામેલ કપલે 9 ફેબ્રુઆરી 2005ના રોજ લગ્ન કર્યા હતા. દંપતીને એક પુત્રી છે. મહિલાનો પતિ નોકરી માટે સાઉદી અરેબિયા ગયો હતો. તેના સાસરિયાઓથી પરેશાન થઈને મહિલા 2007માં તેના માતા-પિતાના ઘરે પરત આવી હતી. એપ્રિલ 2008માં તેના પતિએ તેને પત્ર મોકલીને છૂટાછેડા લીધા હતા. શરૂઆતમાં મહિલાએ CrPCની કલમ 125 હેઠળ ભરણપોષણ માટે અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ તેણીએ MWPA ની જોગવાઈઓ હેઠળ ભરણપોષણ માટે ફરીથી કોર્ટમાં અરજી કરી.


કોર્ટે પતિને મહિલા અને તેની પુત્રીને 4 લાખ રૂપિયાની એકસાથે રકમ આપવાનો નિર્દેશ આપ્યો હતો. મેજિસ્ટ્રેટ કોર્ટના આ આદેશને પતિએ સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. તેની પત્નીએ પણ ભરણપોષણમાં વધારો કરવાની માંગ કરી હતી. સેશન્સ કોર્ટે ભરણપોષણ ભથ્થાની રકમ વધારીને 9 લાખ રૂપિયા કરી હતી, જેની સામે પતિએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application