ઘરે બેઠા પેમેન્ટ : રાજકોટની 400થી વધુ ગ્રામ પંચાયતોમાં ડિજિટલ પેમેન્ટ અમલી, UPIથી સ્વીકારાય છે વેરા

  • July 13, 2023 08:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટેક્નોલોજીના ઉપયોગ થકી ગ્રામીણ વિસ્તારમાં છેવાડે રહેતા માનવીનું જીવન પણ સરળ અને સુગમતાભર્યું બને તેની ચિંતા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘ડિજિટલ ઈન્ડિયા’ થકી ટેક્લોનોજીની ક્રાંતિને વેગ આપી રહ્યા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સચિવાલય તથા સરકારી વિભાગોમાં પેપરલેસ કાર્યપદ્ધતિ ‘ઈ-સરકાર’થી લઈને ગ્રામ પંચાયતોમાં વેરા વસૂલાત માટે ઈ-પેમેન્ટ, મોબાઈલ પેમેન્ટ સિસ્ટમ લાગુ થવા લાગી છે. રાજકોટ જિલ્લાની 422 ગ્રામ પંચાયતોમાં અત્યાર સુધીમાં યુ.પી.આઈ. થકી વેરા વસૂલાત સહિતની સિસ્ટમ અમલી પણ બની ગઈ છે.
જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના નેતૃત્વમાં હાલ રાજકોટ જિલ્લાની 588 ગ્રામ પંચાયતોમાં ક્યૂ આર કોડ આપીને યુ.પી.આઈ. પેમેન્ટ સિસ્ટમ લાગુ કરવાનું કામ ગતિમાં છે.




નાયબ જિલ્લા વિકાસ અધિકારી બ્રિજેશ કાલરિયાના જણાવ્યા પ્રમાણે, જિલ્લામાં 11મી જુલાઈ સુધીમાં 422 ગ્રામ પંચાયતોમાં ક્યૂ આર કોડ અપાઈ ગયા છે અને ત્યાં વેરા વસૂલાત સહિતના પેમેન્ટ યુ.પી.આઈ.થી સ્વીકારવાનું શરૂ થઈ ગયું છે. જ્યારે અન્ય 166 ગ્રામ પંચાયતોને ક્યૂ આર કોડ આપવાનું કામ પ્રગતિમાં જ છે.




નોંધનીય છે કે, ગ્રામ પંચાયતોમાં યુ.પી.આઈ. અમલી થવાથી ગ્રામીણ વિસ્તારના નાગરિકો માટે વેરો ચૂકવવાનું ખૂબ સરળ થયું છે. ખેડૂતો પોતાના ખેતર કે ઘરે બેઠા વેરો ચૂકવી શકે છે.




પડધરી તાલુકાના વિસ્તરણ અધિકારી હંસા રામાણીના જણાવ્યા પ્રમાણે, અમારા તાલુકામાં બાવન ગ્રામ પંચાયતોમાં યુ.પી.આઈ.થી પેમેન્ટ સ્વીકારવાનું શરૂ થઈ ગયું છે. જ્યારે અન્ય પંચાયતોમાં ક્યૂ આર કોડનું કામ પ્રગતિમાં છે. યુ.પી.આઈ. મારફત ગ્રામ પંચાયતને લગતા પાણીવેરા, સફાઈવેરા, દીવાબત્તી વેરા, મકાનવેરા, વ્યવસાય વેરા વગેરેનું પેમેન્ટ સરળતાથી કરી શકાય છે. વળી, નાગરિકોને આ વેરા ચૂકવ્યાનો પૂરાવો રેફરન્સ નંબર તરીકે મોબાઇલમાં જ મળી જાય છે. આ ઉપરાંત લોકફાળો કે અન્ય લેણા કે વસૂલાત પણ યુ.પી.આઈ.થી સ્વીકારવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેક્નોલોજી થકી સામાન્ય માણસનું જીવન સરળ બનાવવાની જે સંકલ્પના સેવી છે, તે ‘ડિજિટલ ઇન્ડિયા’ થકી આજે સાકાર થઈ રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું.




નોંધનીય છે કે, યુ.પી.આઈ. (યુનિફાઇડ પેમેન્ટસ ઈન્ટરફેસ)એ ભારતની વિવિધ બેન્કસ દ્વારાબનેલી સંસ્થા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એન.પી.સી.આઈ.)એ વિકસાવેલી એક વ્યવસ્થા છે, જેને કારણે ભારતની જુદી જુદી બેન્કના ખાતા વચ્ચે ખાતેદારો, ઇન્ટરનેટ ટેક્નોલોજીની મદદથી સહેલાઇથી રકમની આપ-લે કરી શકે છે. લોકો પોતાના સ્માર્ટફોનથી સરળતાથી યુ.પી.આઈ. નંબર પર પેમેન્ટ કરી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application