BREAKING NEWS

જામનગર: જામજોધપુર પવનચક્કી સાઇટ પરથી ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું, બાઇક-કેરબા મૂકી તસ્કરો ભાગ્યા

  • May 19, 2026 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: જામજોધપુર પવનચક્કી સાઇટ પરથી ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું, બાઇક-કેરબા મૂકી તસ્કરો ભાગ્યા


જીણાવારી ગામ પાસે ઓપેરા એનર્જી કંપનીના વાહનોમાંથી ૬૦ લીટર ડીઝલની ચોરી: ટ્રેલર ચાલક અને અન્ય એક શખ્સ સામે પોલીસ ફરિયાદ


જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જીણાંવારી ગામ પાસે આવેલી પવનચક્કીની સાઈટ પરથી કંપનીના વાહનોમાંથી ડીઝલ ચોરી થતું હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઓપેરા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના વાહનોમાંથી અવારનવાર ડીઝલની ચોરી કરતા બે શખ્સો સામે જામજોધપુર પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


જીણાવારી ગામ નજીક, લોકેશન નં. ૪૪૮, ઓપેરા એનર્જી પાવર કંપનીની સાઇટ. આરોપી સાહિલ હીંગોરા અને ટ્રેલર ડ્રાઇવર જગાભાઈ મારવાડી.ચોરીનો મુદ્દામાલ ટ્રેલરમાંથી ચોરી કરેલું આશરે ૬૦ લીટર ડીઝલ (કિંમત રૂ. ૫,૫૦૦), બે કેરબા અને એક પ્લેટિના મોટરસાયકલ (GJ-06-CQ-6616) ફરિયાદી જયેશભાઈ આલાભાઈ વસરા (કંપનીના સુપરવાઇઝર) 


કેવી રીતે ફૂટ્યો ડીઝલ ચોરીનો ભાંડો?

ઓપેરા એનર્જી કંપની દ્વારા હાલ જીણાવારી અને મોટી ગોપ વિસ્તારમાં પવનચક્કી ઉભી કરવાની કામગીરી ચાલી રહી છે. છેલ્લા એકાદ મહિનાથી કંપનીના વાહનોમાં જરૂરિયાત કરતાં વધુ ડીઝલ વપરાતું હોવાનું સામે આવ્યું હતું. આ સાથે જ ડ્રાઇવરો દ્વારા પણ વારંવાર ડીઝલ ખૂટી જવાની ફરિયાદો કરાતી હોવાથી સુપરવાઇઝર જયેશભાઈને ચોરી થતી હોવાની આશંકા ગઈ હતી.
જેના પગલે ગત તા. ૧૭ મેની મધરાતે સુપરવાઇઝર અને અન્ય કર્મચારીઓ જીણાવારી ગામ નજીક કંપનીના લોકેશન નં. ૪૪૮ પર અચાનક ચેકિંગ કરવા પહોંચ્યા હતા.


ગાડીની લાઈટ પડતા જ તસ્કરો ભાગ્યા, મુદ્દામાલ જપ્ત

કંપનીના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ગાડીની લાઇટ પડતાં જ ત્યાં હાજર બે શખ્સો અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યા હતા. કર્મચારીઓએ સ્થળ પર તપાસ કરતા ત્યાંથી એક પ્લેટિના મોટરસાયકલ (નંબરGJ-06-CQ-6616) અને ૩૦-૩૦ લીટર ડીઝલ ભરેલા બે કેરબા મળી આવ્યા હતા. ટ્રેલર નંબર GJ-12-BX-6729 ની ટાંકીમાંથી આ ડીઝલ ચોરવામાં આવ્યું હતું.


ચોર પોતે જ સામેથી ફોન કરીને ફસાયો!

ઘટના બાદ સાઇટના ચોકીદાર પર સાહિલ હીંગોરા નામના શખ્સનો ફોન આવ્યો હતો, જેમાં તેણે સ્થળ પર છૂટી ગયેલું બાઇક પોતાનું હોવાનું સ્વીકાર્યું હતું અને તે બાઇક લેવા સ્થળ પર પણ આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે સાહિલે કંપનીના જ ટ્રેલર ડ્રાઇવર જગાભાઈ મારવાડી સાથે મળીને અગાઉ પણ ઘણી વખત વાહનોમાંથી ડીઝલની ચોરી કરી હતી.


પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

આ સમગ્ર મામલે તાત્કાલિક '૧૧૨ જનરક્ષક ટીમ'ને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સંડોવાયેલા લોકોને પોલીસ મથકે લવાયા હતા. ત્યારબાદ કંપનીના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરીને જામજોધપુર પોલીસ મથકમાં બે શખ્સો સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application