મોટીમારડમાં જૂથ અથડામણ, હત્યામાં ૨૦ સામે ગુનો નોંધાયો

  • July 19, 2023 12:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરાજી તાલુકાના મોટીમારડ ગામે ગઈકાલે ઢોર ચરાવવા બાબતે રબારી સમાજના બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થઈ હતી.જેમાં ગ્રામ પંચાયતના પૂર્વ સભ્ય એવા રબારી વૃદ્ધની લોથ ઢળી હતી અને આ અથડામણમાં ૧૪ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જૂથ અથડામણ અને હત્યાની આ ઘટનામાં સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના આધારે પોલીસે ૨૦ શખસો સામે હત્યા,રાયોટિંગ, મારામારી ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
ધોરાજી તાલુકાના મોટીમારડ ગામે રબારી સમાજનાં બે જૂથ વચ્ચે ઘણા સમયથી કૌટુંબિક સગાઈ મામલે ચકમક ઝરતી રહેતી હતી ત્યારે આજે સવારે ઢોર ચારવા મુદ્દે આ મામલો ઉગ્ર બન્યો હતો. મોટીમારડ ગામના ચીખલીયા જવાનાં રસ્તા નજીક ભેંસો ચરાવવાની નજીવી બાબતે મામલો બીચક્યો હતો. એક જ સમાજના બે જૂથ અમને-સામને આવી જતાં મામલો હત્યા સુધી પહોંચ્યો હતો. આ જુથ અથડામણમાં મોટીમારડ ગ્રામ પંચાયતનાં પૂર્વ સદસ્ય સામતભાઈ પુજાભાઈ કલોતરા (ઉ.વ.૬૦)નું મૃત્યુ નિપજ્યું હતું. મૃતક સામતભાઈ કલોતરાનાં મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. આમને-સામને ૧૪ જેટલા લોકોને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક ધોરાજી અને જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર સાથે ખસેડવામાં આવ્યા  હતા. મોટીમારડ ગામમાં જૂથ અથડામણ ઘટના બનતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મોટીમારડ ગામમાં જૂથ અથડામણનો બનાવ બનતા ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ના ઘટે તે માટે ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું.


આ જૂથ અથડામણમાં ૧૪ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં કમલેશ ઉકા કલોતરા (ઉ.વ.૨૨), નારણ થોભણ કલોતરા (ઉ.વ.૩૫), કિશોર પૂંજા કલોતરા (ઉ.વ.૬૦), ભૂરા કિશોર કલોતરા (ઉ.વ.૩૧), ભીમા પૂજા કલોતરા (ઉ.વ.૫૮), જગદીશ કિશોર કલોતરા (ઉ.વ.૨૮), ભાવેશ સામત કલોતરા (ઉ.વ.૩૯), ધાના થોભણ કલોતરા (ઉ.વ.૩૪), લાખા વીરા કલોતરા (ઉ.વ.૩૫), રાજુ વીરા કલોતરા (ઉ.વ.૨૯), ઉકા સુદા કલોતરા (ઉ.વ.૫૫), બાવનજી મુળુ કલોતરા (ઉ.વ.૩૫), દેવાયત ગીગા કલોતરા (ઉ.વ.૪૦), લાખા થોભણ કલોતરા (ઉ.વ.૩૨)નો સમાવેશ થાય છે.


જુથ અથડામણ અને હત્યાની આ ઘટના અંગે અહીં મોટીમારડમાં ચીખલીયા રોડ પર રહેતા ભાવેશ ઉર્ફે ભામાભાઈ સામંતભાઈ કલોતરા (ઉ.વ ૪૧) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઉકા સુદાભાઈ કરોતરા, કમલેશ ઉકાભાઇ કલોતરા, નારણ ઉર્ફે લાલો થોભણભાઈ કાલોતરા, બાવન ઉર્ફે લાલો મુળુભાઈ કાલોતરા, દેવાયત ગીગનભાઈ કાલોતરા, ભારત દેશુરભાઈ કલોતરા, કેતન ભીખાભાઈ કાલોતરા, આલા મુળુભાઈ કાલોતરા, વીરા ગીગનભાઈ કલોતરા અને ભીખા દેશુરભાઈ કાલોતરા (રહે. બધા.મોટી મારડ) ના નામ આપ્યા છે. ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના પિતા સામંતભાઈ પુંજાભાઈ કાળોતરા ગઈ કાલ સવારે અહીં સરકારી ખરાબાની જમીનમાં ભેંસો ચરાવવા માટે ગયા હતા ત્યારે આરોપીઓએ અમે જે બાજુ ભેંસ ચરાવવા જઈએ તે બાજુ તમારે ભેંસ ચરાવવા આવું નહીં તેમ કહી ગેરકાયદે મંડળી રચી ધારિયા, કુહાડી,પાઇપ તથા લાકડી સહિતના હથિયારો સાથે હુમલો કરી ફરિયાદીના પિતા સાંમતભાઈ કાલોતરાની હત્યા નિપજાવી હતી તેમજ ફરિયાદીને પણ માર માર્યો હતો. આ અંગે પોલીસે આરોપીઓ સામે હત્યા,રાયોટિંગ તથા ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપીઓ પૈકી કેટલાક ઈજાગ્રસ્ત હોય જેથી પોલીસે હોસ્પિટલમાં જાપ્તો ગોઠવ્યો છે. બનાવાની વધુ તપાસ પાટણવાવ પી.એસ.આઇ કે.એમ. ચાવડા ચલાવી રહ્યા છે.
​​​​​​​
સામાપક્ષે મોટીમારડમાં રહેતા દેવાયત ગીગનભાઈ ક્લોતરા દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે સામંત પુંજાભાઈ કલોતરા, ભાવેશ ઉર્ફે ભાનુ સામંતભાઈ કલોતરા, પુંજાભાઈ કલોતરાનો દીકરો જગુ,ભૂરા કિહા ક્લોતરા,વીમા પુંજાભાઈ કલોતરા, ધાના થોભણભાઈ કલોતરા, ગીગન સામંતભાઈ કલોતરા, રાજુ વીરાભાઇ કલોતરા અને લાખા વીરાભાઇ કલોતરાના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, અહીં સરકારી ખરાબમાં ઢોર ચરાવવા બાબતે થયેલા મનદુ:ખનો ખાર રાખી આરોપીઓએ તિક્ષણ હથિયારો કુહાડી, લાકડી વડે હુમલો કરી ફરિયાદી તથા તેમના પરિવારજનોને ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે અંગે પોલીસે આરોપીઓ સામે મારામારી,રાયોટિંગ અને ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application