BREAKING NEWS

જામજોધપુર-લાલપુરમાં નદી તેમજ ચેકડેમમાં વીજ કંપનીઓ દ્વારા ગેરકાયદે પોલ ઊભા કરાતા વિવાદ

  • June 25, 2026 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુર-લાલપુરમાં નદી તેમજ ચેકડેમમાં વીજ કંપનીઓ દ્વારા ગેરકાયદે પોલ ઊભા કરાતા વિવાદ

નદીમાં ૩ ટ્રાન્સમીશન પોલ ઉભા કરાયા: ચેકડેમમાં ૧૮ જેટલા વિજપોલ ખડકાયા: સિંચાઈ વિભાગની નોટિસ

જામનગર જિલ્લાના જામજોધપુર અને લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેતી નદીઓ અને સરકારી ચેકડેમોમાં ખાનગી તેમજ સરકારી વીજ કંપનીઓ દ્વારા કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર ગેરકાયદેસર રીતે ઊંચી ક્ષમતાના વીજ પોલ ઊભા કરી દેવામાં આવતા સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 

લાલપુર તાલુકાના નંદુરી ગામના રહેવાસી જયેશકુમાર રામાભાઈ નંદાણીયા દ્વારા જામજોધપુર પંચાયત સિંચાઈ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી કે, વિવિધ કંપનીઓ દ્વારા રીઝપર ગામની સીમમાં આવેલી શિયારીયો નામની નદી અને સરકારી ચેકડેમની અંદર આશરે ૧૮ જેટલા વીજ પોલ ઊભા કરવાનું કામ ગેરકાયદેસર રીતે હાથ ધરવામાં આવ્યું છે. 

આ નદી અને ચેકડેમના પાણીનો ઉપયોગ રીઝપર અને નાંદુરી ગામના સ્થાનિક લોકો પીવા, નાહવા-ધોવા તેમજ પશુઓને પાણી પાવા અને ખેતીના સિંચાઈ માટે કરે છે. ચોમાસા દરમિયાન પાણી ભરાવાના કારણે ચેકડેમમાં વીજ પોલ હોવાથી શોર્ટ-સર્કિટ થવાનું અને માનવ તેમજ પશુધનના જીવનું મોટું જોખમ ઊભું થયું છે. આ મામલે સિંચાઈ વિભાગની કોઈ મંજૂરી લેવાઈ ન હોવાનું સામે આવ્યું છે.

બીજી તરફ, ’તાલુકા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ’ અંતર્ગત રજૂ થયેલા પ્રશ્નોના નિકાલના પત્રક અનુસાર, લાલપુર તાલુકાના મોજે ધરમપુર ગામમાં પણ ખાનગી કંપની દ્વારા ગામની નદીમાં, જ્યાં ૬ થી ૮ ફૂટ પાણી ભરેલું રહે છે ત્યાં ગેરકાયદેસર રીતે ૨૨૦ કે.વી. વોલ્ટની ૩ ટ્રાન્સમિશન લાઈનો માટેના પોલ ઊભા કરી દેવાયા હોવાની બાબત સત્તાવાર રીતે સામે આવી છે. 

આ ગંભીર બેદરકારી સામે સિંચાઈ વિભાગના ટેકનિકલ સ્ટાફ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી અને અહેવાલના આધારે નાયબ કાર્યપાલક ઈજનેર, પંચાયત સિંચાઈ પેટા વિભાગ, જામજોધપુર દ્વારા વીજ કંપનીને પત્ર પાઠવીને ૭ દિવસની અંદર આ ગેરકાયદેસર વીજ લાઈન અને પોલ હટાવી લેવા અથવા અન્યત્ર શિફ્ટ કરવા માટે કડક નોટિસ આપવામાં આવી છે. જો કંપની દ્વારા આપેલા સમયગાળામાં કામગીરી કરવામાં નિષ્ફળ જશે, તો આગામી દિવસોમાં વહીવટી તંત્ર દ્વારા કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું પણ જાહેર કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application