જામ્યુકોમાં કોંગ્રેસના સુત્રોચાર, ચીકુ શાસન બંધ કરો, રંગમતી નદી અને કેનાલોની સફાઇ કરો
શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિએ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનને આવેદનપત્ર પાઠવ્યુ
પ્રિમોન્સુન કામગીરી મહદ અંશે કાગળ પર જ થતી હોવાનો સણસણતો આક્ષેપ
જામનગર મહાનગરપાલીકામાં કોંગ્રેસના આગેવાનોએ ચીકુ શાસન બંધ કરો, રંગમતી નદી અને કેનાલોની સફાઇ કરોના સુત્રોચ્ચાર કરી સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનને આવેદનપત્ર પાઠવ્યુ હતું જેમાં પ્રિમોન્સુન કામગીરી મહદ અંશે કાગળ પર જ થતી હોવાનો સણસણતો આક્ષેપ કરાયો હતો. કોંગ્રેસના વિરોધના પગલે સુરક્ષાકર્મીઓ અને પોલીસ દોડી આવી હતી.
જામનગર મહાનગરપાલીકામાં આજરોજ સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મળી હતી. બેઠક શરૂ થતા શહેર-જીલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કોંગીના નગરસેવકો ચીકુ શાસન બંધ કરો, રંગમતી નદી અને કેનાલોની તાકીદે સફાઇ કરોના સુત્રોચ્ચાર સાથે મનપાની કચેરીએ ઘસી આવ્યા હતા આટલુ જ નહીં આ સુત્રોચ્ચાર સાથે કોંગી આગેવાનો અને કાર્યકરોએ સ્ટેન્ડીંગ કમિટીના હોલ બહાર દેખાવ કર્યા હતા. સ્ટેન્ડીંગ કમિટીની બેઠક પુર્વે ભાજપના નગરસેવકોએ સંકલનની બેઠક મનપામાં કરી હતી ખરેખર સંકલનની બેઠક પક્ષના કાર્યાલયે કરવાની હોય આ નિયમ વિરુઘ્ધ હોવાનો કોંગી આગેવાનોએ આક્ષેપ કરી હવે પછી પુન: જો સંકલનની બેઠક મનપામાં થશે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી, ત્યાર બાદ સ્ટેન્ડીંગ કમિટી પુર્ણ થયા બાદ કોંગી આગેવાનોએ ચેરમેનને આવેદનપત્ર પાઠવ્યુ હતું. જેમાં શહેરમાં પ્રિમોન્સુન કામગીરી મોટાભાગે કાગળ પર કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે વાસ્તવીક રીતે નદી અને કેનાલોમાં હજુ ગંદકી અને કચરો યથાવત છે, એક બાજુ મનપા દ્વારા કામગીરી પુર્ણ થયાનો દાવો કરવામાં આવે છે પરંતુ વાસ્તવીક સ્થીતીમાં જમીન આસમાનનો તફાવત છે તેમ જણાવી આ બાબતે તાકીદે પગલા લેવા માંગણી કરી છે, આવેદન પત્ર આપતી વેળાએ જામનગર શહેર જીલ્લા કોંગ્રેસ કમિટીના પ્રમુખ દિગુભા જાડેજા, પુર્વ વિપક્ષી નેતા ધવલ નંદા, કોંગી નગરસેવક સહારાબેન મકવાણા અને કોંગી આગેવાન રચનાબેન નંદાણીયા તથા અન્ય કાર્યકરો ઉપસ્થીત રહયા હતા.