જામનગર: ચુનાના ભઠ્ઠા વિસ્તારમાં થયેલી માથાકુટમાં હત્યાની કોશિષ કર્યાની બે સામે ફરીયાદ
યુવાનને હડધુત કરી છરી વડે હુમલો કરતા બે સામે રાવ : એક યુવાનના પરિવાર પર હુમલો કરી મોબાઇલ ઝુંટવી લીધાની ૧૧ સામે ફરીયાદ :જુની અદાવત કારણભુત
જામનગરના ચુનાના ભઠ્ઠા વિસ્તારમાં બે દિવસ પહેલા તાજીયા જોવા ગયેલા યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં અહી રહેતા બે શખ્સો સામે હત્યાની કોશિષ અને જાતી પ્રત્યે અપમાનીત કર્યા અંગેની કલમો અનુસાર ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ અહી રહેતા યુવાન દ્વારા સીટી-એમાં વળતી ફરીયાદ એક પરિવારના ૧૧ સામે કરવામાં આવી છે જેમાં ફરીયાદી યુવાન તેમના પત્ની અને માતા-પિતા સહિતના પરિવારને માર માર્યાની ધમકી દીધાની અને મોબાઇલ ઝુંટવી લીધા અંગે ફરીયાદ કરી છે. બંને પક્ષની ફરીયાદ અનુસંધાને પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
જામનગરના બાઇની વાડી, આંબેડકરવાસમાં રહેતા ગોપાલ કિશનભાઇ પરમાર (ઉ.વ.૪૩) નામનો યુવાન તા. ૨૫ રાત્રીના ૮-૩૦ વાગ્યે ચુનાનો ભઠ્ઠો, ઢોલીયા પીરની દરગાહ પાસે તાજીયા જોવા માટે ગયા હતા ત્યારે આરોપી અહેમદ રઝાએ આવીને કહેલ કે તું જુમાભાઇના છોકરાઓ સાથે કેમ કામે જાશ, તેમના ભેગો કેમ ફરે છે તેમ કહીને ફરીયાદીને જાતી પ્રત્યે અપમાનીત કરીને જેમ ફાવે તેમ બોલવા લાગ્યો હતો.
ઉપરાંત ફરીયાદી ગોપાલને છરીનો એક ઘા માથાના ભાગે મારવા જતા ફરીયાદી નમી જતા ગાલ પર ઘા લાગ્યો હતો ઉપરાંત છરીના બે-ત્રણ ઘા મારી છરકા જેવી ઇજા પહોચાડી હતી અને અન્ય આરોપીએ ફરીયાદીને કોણીથી ઉપરના ભાગે ઘા માર્યો હતો તેમજ હાથની કલાઇ પાસે ૮ થી ૯ ટાંકા જેવી ઇજા પહોચાડવામાં આવી હતી ઉપરાંત આરોપીઓએ ફરીયાદીને એક સંપ થઇ ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજા કરી હતી એક આરોપીએ મારી નાખવાની ધમકી દઇ એકબીજાને મદદગારી કરી હતી.
ઇજાગ્રસ્તને સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે દરમ્યાનમાં ગોપાલ પરમાર દ્વારા આ બનાવ અંગે ગઇકાલે સીટી-એ ડીવીઝનમાં ચુનાનો ભઠ્ઠો, ઢોલીયાપીરની દરગાહ સામે રહેતા અહેમદ રઝા મહમદહુશેન નાઇ તથા મહમદહુશેન તમાચી નાઇ આ બંનેની વિરુઘ્ધ બીએનએસ કલમ ૧૦૯(૧), ૧૧૮(૧), ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ તથા એટ્રોસીટી એકટ અને જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવી હતી.
ચુનાનો ભઠ્ઠો ઢોલીયા પીર દરગાહ પાસે ડેરીની બાજુમાં રહેતા અહેમદરઝા મહમદહુશેન નાઇ (ઉ.વ.૩૬) નામના યુવાને સીટી-એ ડીવીઝનમાં અહીં રહેતા આરીફ જુમા ખફી, પરવેઝ અશરફ ખફી, ગફાર વલીમામદ ખફી, નાયબ ઉર્ફે મહમદહુશેન અબ્બાસ ખફી, અશરફ જુમા ખફી, શહેનાઝબેન ખફી, હામીદા આરીફ ખફી, જુમા દોસ્તમામદ ખફી, નાયબ આરીફ ખફી, અશરફની દીકરી અને આરીફની દીકરીની વિરુઘ્ધ બીએનએસ કલમ ૧૦૯(૧), ૧૧૭(૨), ૧૧૮(૧), ૧૧૫(૨), ૫૪ વિગેર કલમો અનુસાર ફરીયાદ નોંધાવી હતી.
આ ફરીયાદની વિગત મુજબ તા. ૨૫ રાત્રીના ૮-૩૦ વાગ્યે ચુનાના ભઠ્ઠા દરગાહ પાસે બનાવ બન્યો હતો ફરીયાદીએ અગાઉ આરોપી આરીફ ખફી વિરુઘ્ધ પોલીસ ફરીયાદ કરેલ હોય જે બાબતનો ખાર રાખી ફરીયાદી અહેમદ રઝાને આરોપી આરીફે બે-ત્રણ ઝાપટો મારી તેમજ ધોકા વડે માથાના ભાગે ઘા ઝીંકી ફ્રેકચર જેવી ઇજા અને શરીરે આડેધડ મારી ઇજાઓ પહોચાડી હતી તેમજ અન્ય આરોપીએ ધોકા વડે ફરીયાદી પર હુમલો કર્યો હતો.
દરમ્યાન અન્ય આરોપીએ ફરીયાદી તથા સાહેદ મહમદહુશેનને લાતો મારી મુંઢ ઇજા પહોચાડી હતી ફરીયાદીના પત્ની નર્મદાબેન છોડાવવા વચ્ચે પડતા એક મહિલા આરોપીએ તેણીનો મોબાઇલ ફોન ઝુંટવી લીધો હતો તેમજ ફરીયાદીના પુત્રનો મોબાઇલ ઝુંટવી લેવાયો હતો અને અન્ય ૩-૪ અરોપીઓએ નર્મદાબેન સાથે ઝપાઝપી કરી હતી જે દરમ્યાન ચેઇન આંચકી લીધાનો પણ આરોપી મુકાયો છે. મહિલા આરોપીઓએ હડધુત કરી તમામ આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી હથીયારો વડે ફરીયાદી તથા તેના માતા-પિતા, પુત્ર અને પત્નીને મારી નાખવા હુમલો કરી એકબીજાને મદદગારી કરી હતી.