કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરના ચક્કર શરૂ: એ.ટી.સી. રાઉન્ડ ધી કલોક

  • June 12, 2023 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુંબઈ, દિલ્હી સહિતની બધી જ ફ્લાઈટ ની ઉડાન યથાવત: તા.14 કે 15 માં જો પરિસ્થિતિ ગંભીર હશે તો જ ફલાઇટ કેન્સલ થશે



સૌરાષ્ટ્ર કચ્છમાં બીપરજોઈ વાવાઝોડાના ખતરાના પગલે રાજકોટના એરપોર્ટ પરથી કોસ્ટગાર્ડ ના બે હેલિકોપ્ટર દ્વારા નિરીક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ગઈકાલે અને આજે આ હેલિકોપ્ટરમાં ટીમ દ્વારા રાજકોટ જિલ્લા સહિત અલગ અલગ વિસ્તારોમાં નિરીક્ષણ શરૂ કરી દેવામાં આવતા હેલિકોપ્ટરના ચકકર સૌરાષ્ટ્રના આભમાં શરૂ થઈ ગયા છે.



બે દિવસ પૂર્વે જ રાજકોટ એરપોર્ટ પર કોસ્ટગાર્ડ ના ખાસ હેલિકોપ્ટર નું આગમન થઈ ગયું હતું. પાંચ દિવસ સુધી આ હેલિકોપ્ટર અને ટીમ સ્ટેન્ડ બાય રહેશે.




સંભવિત વાવાઝોડા સામે બાથ ભીડી શકાય તે માટે સરકારે તંત્ર સાથે સંકલન સાધીને પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. રાજકોટના એરપોર્ટના પાર્કિંગમાં કોસ્ટગાર્ડ ના 2 હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એરપોર્ટ ખાતે નો કંટ્રોલરૂમ પણ કાર્યરત થઈ ગયો છે.




ફ્લાઈટ ઉપરાંત ના શેડ્યુલ બાદ પણ કોઈપણ ઈમરજન્સી પરિસ્થિતિમાં એરક્રાફ્ટ કે હેલિકોપ્ટર મદદે પહોંચે તે માટે એરપોર્ટ નો એર ટ્રાફિક કંટ્રોલરૂમ સક્રિય રીતે કાર્યરત થઈ એટીસી ની ટીમ ખડે પગે કામ કરી રહી છે. ગત મોડી રાત્રે ગૃહ મંત્રી હર્ષ સંઘવી, રાઘવજી પટેલ તેમજ કનુભાઈ દેસાઈ સુરત થી ખાસ ચાર્ટર પ્લેન દ્વારા રાજકોટ આવ્યા હતા. વાવાઝોડાની આ પરિસ્થિતિમાં દિવસ રાત એટીસી રૂમ કાર્યરત રહેશે.




મુંબઈમાં હવામાન પ્રતિકૂળ હોવાથી ફ્લાઈટની અવરજવર પર અસર પડી છે જ્યારે રાજકોટ થી આજે મુંબઈની તમામ ફ્લાઈટ એ ઉડાન ભરી હતી આ ઉપરાંત રાજકોટ થી દિલ્હી બેંગ્લોર અને ગોવા માટેની ફ્લાઈટ પણ ઉડાન ફરશે. એટીસી યુનિટના અધિકારીઓના જણાવ્યા મુજબ હજુ સુધી કોઈ ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી નથી પરંતુ ગઈકાલે મુંબઈમાં ખરાબ હવામાનના લીધે સાંજની ફ્લાઈટના સમયમાં ફેરફાર થયો હતો અને ફ્લાઈટ મોડી પડી હતી જ્યારે આજે સવારે રાબેતા મુજબ ઈન્ડિગો અને એરઇન્ડિયા ની મુંબઈની ફ્લાઈટ ટેકઓફ થઈ ગઇ છે.



મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, ગોવા માટે જે ફ્લાઈટ ઉડાન ભરી રહે છે તેના એર ક્રાફ્ટ મોટા હોવાના લીધે ભારે પવન હોવા છતાં ફ્લાઈટ ઉડાન ભરી શકે છે પરંતુ 14 અથવા 15મી તારીખે ભારે વરસાદ અને વાવાઝોડું તીવ્ર બનશે તો આ દિવસોમાં ફલાઈટ કેન્સલ કરવાની શક્યતાઓ નકારી શકાય નહીં તેમ એરલાઇન્સ ના સૂત્રોએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application