રાજકોટમાં પૂર્વ મેયરના ઘરમાંથી ₹19 લાખના સોનાના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો : આરોપી પોલીસ સંકજામાં

  • August 01, 2023 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહરેના રૈયા રોડ પર પૂર્વ મેયરના બંગલમાં થયેલી રૂ.૧૯.૦૭ લાખની ચોરીનો ભેદ ગાંધીગ્રામ અને એલસીબીની ટીમે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખી ચોરીમાં ગયેલો તમામ મુદામાલ કબજે કર્યો હતો.પોલીસે આ ચોરીમાં કુબલીયાપરમાં રહેતા રીઢા ચોરને ઝડપી લીધો હતો.આ શખસ દિવસે ભંગારની ફેરી કરી બંધ મકાન અંગે રેકી કરી લીધા બાદ રાત્રીના ચોરીના બનાવને અંજામ આપતો હતો આ શખસે અન્ય કોઇ ચોરીના બનાવને અંજામ આપ્યો છે કે કેમ? તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.




ગત તા.૨૬/૭ ના ગાંધીગ્રામ પોલીસ મથકમાં ચોરીના આ બનાવ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.રૈયા રોડ પરના શિવાજી પાર્ક શેરી નં. 4માં રહેતા ભાજપના પૂર્વ મેયર ગોવિંદભાઈ સોલંકીના બંગલોમાં ત્રાટકેલા તસ્કરો રૂ. 19.07 લાખના દાગીના ચોરી કરી ગયાનું ફરિયાદમાં જણાવ્યું હતું.. આ બંગલાનું હાલ રિનોવેશનનું કામ ચાલુ હોવાથી પરિવારના સભ્યો નજીકમાં આવેલા બીજા મકાનમાં રહેવા ગયા હતા. જ્યારે બંગલામાં ગોવિંદભાઈ એક જ હાલ રહેતા હતા.આ અંગે પૂર્વ મેયરના પુત્ર મોહીતભાઇ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી.



ચોરીની ઘટનાને લઇ ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એમ.જી.વસાવાની રાહબરી હેઠળ પીએસઆઇ જે.જી.રાણા તથા તેમની ટીમ તેમજ એલસીબી ઝોન-૨ ના પીએસઆઇ આર.એચ.ઝાલા તથા તેમની ટીમે તપાસનો ઘમધમાટ શરૂ કર્યો હતો.




દરમિયાન હેડ કોન્સ. રાહુલભાઇ ગોહેલ,હરપાલસિંહ જાડેજા કોન્સ.જેન્તીગીરી ગોસ્વામી,જયપાલસિંહ સરવૈયા,ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના કોન્સ. રોહિતભાઇ કછોટ,ગોપાલભાઇ બોળીયા,અર્જુનભાઇ ડવને મળેલી બાતમીના આધારે આ ચોરીમાં કુબલીયાપરમાં ચારબાઇના મંદિર પાસે રહેતા વિજય ઉર્ફે ગલો કિશનભાઇ ધાંધલપરીયા(ઉ.વ ૨૫) ને તેના ઘર પાસેથી જ ઝડપી લીધો હતો.પોલીસે આ શખસ પાસેથી ચોરી કરેલા તમામ ઘરેણા અને સાઇકલ સહિત કુલ રૂ. ૧૯ લાખનો મુદામાલ કબજે કર્યો હતો.




પોલીસે જણાવ્યું હતું કે આ શખસ પોતે ભંગારની ફેરી કરતો હોય તે ભંગારની ફેરીના બહાને દિવસે સોસાયટીઓમાં નિકળી બંધ મકાન અંગે રેકી કરી લેતો હતો અને રાત્રીના આ બંધ મકાનને નિશાન બનાવતો.તે દિવસે આ મકાનની રેકી કરી લીધી હતી.મકાનનું રિનોવેશન કામ ચાલતું હોવાથી રાત્રીના મકાન બંધ હોય તેવું તેણે અનુમાન લગાવી લીધું હતું અને રાત્રીના તે અહીં ચોરી કરવા પહોંચ્યો હતો.અહીં મકાનમાં મિસ્ત્રી કામ ચાલતું હોય ડીસમીસ સહિતના ઓજારો પડયા હોય તેનો જ ઉપયોગ કરી કબાટના દરવાજોનો લોક તોડી ચોરીના આ બનાવને અંજામ આપ્યો હતો.




પકડાયેલા વિજય ઉર્ફે ગલા સામે આગાઉ એ.ડિવિઝન પોલીસ મથકમાં ચોરી અંગેના ચાર ગુના નોંધાઇ ચૂકયા છે.આ શખસની અન્ય કોઇ ચોરીમાં સંડોવણીમાં છે કે કેમ? તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.




પોલીસે ૩ દિવસ સુધી મહેનત કરી,૧૦૦ થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસી ભેદ ઉકેલ્યો


ચોરીના આ બનાવનો ભેદ ઉકેલવામાં પોલીસે સતત ત્રણ દિવસ સુધી દિવસ રાત મહેનત કરી ૧૦૦ થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસી બનાવનો ભેદ ઉકેલ્યો હતો.અને એટલું જ નહીં પણ તમામ મુદામાલ પણ કબજે કર્યો હતો.આ કામગીરીમાં એલસીબી ઝોન-૨ ના પીએસઆઇ આર.એચ.ઝાલા તથા ગાંધીગ્રામના પીએસઆઇ જે.જી.રાણાની રાહબરીમાં હેડ કોન્સ. વિરેન્દ્રસિંહ ઝાલા,મૌલિકભાઇ સાવલીયા,હરપાલસિંહ જાડેજા,રાહુલભાઇ ગોહેલ,કોન્સ. જેન્તીગીરી ગોસ્વામી,અમિનભાઇ ભલુર,જયપાલસિંહ સરવૈયા,ધર્મરાજસિંહ ઝાલા,મનિષભાઇ સોઢીયા,ગાંધીગ્રામ પોલીસ મથકના એએસઆઇ હીરાભાઇ રબારી,હેડ કોન્સ. હસમુખભાઇ નીનામા,કોન્સ. રોહિતભાઇ કછોટ,ગોપાલભાઇ બોળીયા,અર્જુનભાઇ ડવ,ગોપાલભાઇ પાટીલ,શકિતસિંહ ગોહિલ,ભરતભાઇ ચૌહાણ,કનુભાઇ બસીયા,દિનેશભાઇ વહાણવટીયા,મહિલા કોન્સ. ભૂમિબેન સોલંકી અને રિનાબેન પરમાર સાથે રહ્યા હતાં.



તસ્કર જે સાઇકલ લઇ ચોરી કરવા ગયો હતો તેના આધારે જ ભેદ ઉકેલાયો


ચોરીના આ બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે,ચોરીના આ બનાવ બાદ પોલીસે અહીંના આસપાસના રૂટના સીસીટીવી ફૂટેજ ચકાસતા એક શખ્સ સાઇકલ પર શંકાસ્પદ રીતે અહીંથી પસાર થતા નજરે પડયો હતો.રાત્રીના સમયે સાઇકલ લઇ અહીંથી કોણ પસાર થયું હતું એ અંગે પોલીસે તપાસ આગળ ધપાવી હતી.અલગ અલગ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસતા અંતે પોલીસને તસ્કરનું પગેરૂ મળ્યું હતું આમ તસ્કરની સાઇકલ જ પોલીસને તેના ઘર સુધી લઇ ગઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application