આજથી નાવદ્રા તરફ વળ્યું બુલડોઝર: ૧રપ બાંધકામો તોડી પડાશે

  • March 15, 2023 05:28 PM 

કલ્યાણપુર પંથકમાં દરિયાઇ પટ્ટી પર આવેલ અનઅધિકૃત બાંધકામ તોડી પાડવા માટે તંત્રએ કડક હાથે કામ લીધું છે, આજે બુલડોઝર નાવદ્રા તરફ વળ્યું છે અને નાવદ્રાની આજુબાજુ રહેલા ૧રપ થી વધુ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરી શરૂ કરી છે, આ લખાય છે ત્યારે જિલ્લા કલેકટર મુકેશ પંડ્યા, એસ.પી. નીતેશ પાંડેય, એસડીએમ પાર્થ કોટડીયા, મામલતદાર દક્ષાબેન રીંડાણી સહિતના અધિકારીઓનો કાફલો નાવદ્રા પહોંચી ગયા છે.


કલ્યાણપુરના મામલતદાર દક્ષાબેન રીંડાણીએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજ સવારથી નાવદ્રાની આજુબાજુના ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને લગભગ ૧રપ થી ૧૩૦ આ પ્રકારના બાંધકામો સાંજ સુધીમાં તોડી પાડવામાં આવશે, કોઇપણ જાતનો બનાવ ન બને તે માટે મજબુત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનઅધિકૃત દબાણ હટાવ ઝુંબેશના પાંચ દિવસ પૂર્વે શરૂ થયેલા બીજા રાઉન્ડમાં હર્ષદ મંદિર નજીકના દરિયા કાંઠા વિસ્તારમાં ચાર દિવસ બુલડોઝર ફર્યા બાદ હવે કલ્યાણપુર તાલુકાના નાવદ્રા દરિયાઈ વિસ્તારમાંથી આજરોજ ઓપરેશન ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે.


કલ્યાણપુર પંથકના દરિયાકાંઠાના ગામોમાં વ્યાપક પ્રમાણમાં ગેરકાયદેસર દબાણ ખડકી દેવામાં આવ્યા હોવાથી તંત્ર દ્વારા આ સામે લાલ આંખ કરી અને આવા આસામીઓને ધોરણસર નોટિસ અપાયા બાદ ગત શનિવારથી આ દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેના પ્રથમ ચરણમાં હર્ષદ (ગાંધવી) ખાતેથી રેવન્યુ તથા પોલીસ તંત્રએ સંયુક્ત રીતે ઓપરેશન કરી, રૂ. ૪.૮૬ કરોડના ૧૧લાખ ફૂટ સરકારી જમીનો પર ખડકી દેવામાં આવેલા પોણા ત્રણસો જેટલા દબાણો ધ્વસ્ત કર્યા છે. ગઈકાલે મંગળવાર સુધી ચાર દિવસની કામગીરી આ સ્થળે પૂર્ણ થયા બાદ આજરોજ કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તથા ખંભાળિયાના પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા તેમજ તેમની ટીમએ જેસીબી, હીટાચી, વિગેરે જેવા વાહનો સાથે ઘસી જઈ અને અનધિકૃત દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી છે.


તેમની સાથે ડી.વાય.એસ.પી. સમીર સારડા, હાર્દિક પ્રજાપતિ, તેમજ એલસીબી અને એસઓજી સહિતના પોલીસ કાફલાએ જ‚રી વ્યવસ્થા સંભાળી છે. પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ કડક ઝુંબેશથી દબાણકર્તા તત્વોમાં ભય સાથે દોડધામ મચી જવા પામી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application