ખંભાળીયા: ભાણવડની નકટી નદી પર બોકસ ક્નવર્ટ યોજનાને મળી મંજુરી
રૂ.૧૩.૫૪ કરોડના ખર્ચે આરસીસીથી નદીને ઢાંકવામાં આવશે: ધારાસભ્ય મુળુભાઇ બેરાના પ્રયાસો સફળ
ભાણવડમાં વેરાડ ગેઇટ બહાર નકટી નદીને રૂ.૧૩ કરોડ અને ૫૪ લાખના ખર્ચે બોકસ ક્નવર્ટ એટલે કે આરસીસીથી સંપુર્ણ રીતે ઢાંકી દેવાની કામગીરીને મંજુુરીની મહોર લાગી છે, ભાણવડ, ખંભાળીયાના ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરાના સક્રિય પ્રયાસોથી આ કામને સફળતા મળી છે. આઝાદી બાદ ઉપરોકત યોજના સાકાર થવાથી લોકોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે તેમજ ગંદકીની સમસ્યાને પણ હવે જાકારો મળશે.
શહેરમાં વેરાડ ગેઇટ બહાર નકટી નદી ખુબ જ પ્રદુષિત બની ગઇ હતી કાયમી ધોરણે ગંદકીથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા હતા, ખાસ કરીને નદીકાંઠાની આસપાસ વસવાટ કરતા નાગરિકોને ખુબ જ મુશ્કેલી પડતી હતી, આ બાબતને લઇને લોકોમાં પણ રોષ અને નારાજગી જોવા મળી રહી હતી.
લોકોમાં આ બાબતે ફરીયાદો પણ ઘણા સમયથી કરાતી હતી, ત્યારે આ બાબતે ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરાએ નદીમાં થતી ગંદકી અને તેના કારણે પડતી મુશ્કેલી અંગે વિગતવાર અને અસરકારક રજુઆત કરી હતી, ત્યારબાદ ફળ સ્વરૂપે રાજય સરકારે યોજનાને લીલી ઝંડી આપી હતી આ કામ માટે રૂ.૧૩.૫૪ કરોડ મંજુર થયા છે.
સમગ્ર વહીવટી પ્રક્રિયા પુર્ણ થઇ ચુકી છે, અને કામ માટે ટુંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે તેમ ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા દ્વારા જણાવવામાં આવ્યું છે.