Twitter પરથી વાદળી ચકલી ગાયબ! હવે દેખાશે 'શ્વાન'નો Logo

  • April 04, 2023 09:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ટ્વિટરમાં વધુ એક મોટો ફેરફાર કરવામાં આવ્યો, એલન મસ્કે ખુદ ટ્વિટરનો લોગો બદલ્યો


ટ્વિટરમાં વધુ એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ વખતે એલન મસ્કે ખુદ ટ્વિટરનો લોગો બદલ્યો છે. એટલે કે હવે ટ્વિટર પરથી વાદળી પક્ષી (ચકલી) ગાયબ થઈ ગયું છે. આ ફેરફાર બાદ યુઝર્સ ખૂબ જ આશ્ચર્યમાં છે. કારણ કે, ટ્વિટરે 'ડોગી'ને પોતાનો નવો લોગો બનાવ્યો છે. ટ્વિટરના માલિક એલન મસ્કે પણ આ અંગે એક ટ્વિટ કર્યું છે, જેના પછી માનવામાં આવે છે કે, ડોગી ટ્વિટરનો નવો લોગો હશે.


સોમવાર રાતથી વપરાશકર્તાઓને તેમના ટ્વિટર એકાઉન્ટ પર વાદળી પક્ષીની જગ્યાએ કૂતરો જોવાનું શરૂ થયું. આ લોગો જોઈને યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓએ એકબીજાને પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું કે, શું દરેકને ટ્વિટર લોગો પર કૂતરો દેખાય છે. થોડી જ વારમાં #DOGE ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું. યુઝર્સને લાગ્યું કે, કોઈએ ટ્વિટર હેક કર્યું છે. પરંતુ આના થોડા સમય બાદ એલન મસ્કે એક ટ્વીટ કર્યું, જેમાં સ્પષ્ટ થઈ ગયું કે, ટ્વિટરે તેનો લોગો બદલી નાખ્યો છે.


એલન મસ્કે રાત્રે લગભગ 12:20 વાગ્યે એક ફોટો ટ્વિટ કર્યો હતો. જેમાં કારની ડ્રાઇવિંગ સીટ પર એક કૂતરો બેઠો છે અને તે ટ્રાફિક પોલીસને તેનું લાઇસન્સ બતાવી રહ્યો છે. આ લાયસન્સમાં વાદળી પક્ષીનો ફોટો છે (જૂનો Twitter લોગો). જે બાદ ડોગી ટ્રાફિક પોલીસને કહી રહ્યો છે કે, "આ જુનો ફોટો છે". મસ્કના આ ટ્વિટ પછી ટ્વિટર પર લગાવવામાં આવી રહેલી વિવિધ અટકળોનો અંત આવ્યો અને એ સ્પષ્ટ થઈ ગયું કે, એલન મસ્કે લોગો બદલ્યો છે.


એલન મસ્ક અગાઉ પણ ડોગી વિશે સંકેતો આપી ચૂક્યા છે. તેણે આ વર્ષે ફેબ્રુઆરીમાં એક ફોટો ટ્વીટ કર્યો હતો. તેના કેપ્શનમાં મસ્કે લખ્યું, "ટ્વિટરના નવા સીઈઓ શાનદાર છે." ફોટામાં ટ્વિટરના સીઈઓની ખુરશી પર એક કૂતરો બેઠો હતો. તેની સામેના ટેબલ પર એક કાગળ રાખવામાં આવ્યો હતો, જેમાં આ કૂતરાનું નામ Floki અને તેની પોસ્ટ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નીચે લખેલું હતું. આ પેપર પર ટ્વિટરનો લોગો એટલે કે બ્લુ બર્ડ હતો. જોકે ત્યારે કોઈએ વિચાર્યું ન હતું કે, મસ્ક ટ્વિટરનો વર્ષો જૂનો લોગો બદલવા જઈ રહ્યા છે.


એલન મસ્કે ટ્વિટરનો લોગો બદલ્યા બાદ વધુ એક ટ્વિટ કર્યું છે. જેમાં તેણે લખ્યું હતું કે, ‘જેમ વચન આપ્યું હતું. વાસ્તવમાં આ ટ્વીટમાં મસ્કે એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જે 26 માર્ચની જૂની ચેટનો છે. આ સ્ક્રીન શૉટમાં કરવામાં આવેલી પોસ્ટમાં મસ્કે પૂછ્યું છે કે, શું કોઈ નવા પ્લેટફોર્મની જરૂર છે. તેના પર ચેરમેન નામના યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું કે, ટ્વિટર ખરીદો અને તેનો બ્લુ બર્ડ લોગો ડોગીથી બદલો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application