BREAKING NEWS

જામનગર નજીક ગોઝારા અકસ્માતમાં બાઇક ચાલકનું નિપજયું ક‚ણ મોત

  • June 03, 2026 01:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક ગોઝારા અકસ્માતમાં બાઇક ચાલકનું નિપજયું ક‚ણ મોત

ટ્રકના ટાયર નીચે માથું આવી જતાં બિહામણા દ્રશ્યો સર્જાયા :  ખીજડીયા બાયપાસે રહેતા યુવાનને ઇજા : સરમત પાટિયા પાસે બસની ટક્કરે સ્કૂટીચાલકને ફ્રેકચર

જામનગર નજીક વધુ એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં યુવાનનું કરુણ મૃત્યુ નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે. જામનગર-રાજકોટ હાઇવે પર કોઠાવાલા ટી સ્ટોલ નજીક એક અજાણ્યા ટ્રક અને એક્ટિવા વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકનું ટાયર મૃતકના માથા પર ફરી જતાં બિહામણાં દ્રશ્યો સર્જાયા હતા. જયારે અન્ય બનાવમાં સિક્કા પોલીસ મથક વિસ્તારમાં જામનગર-ખંભાળિયા હાઇવે પર સરમત ગામના પાટિયા પાસે અકસ્માતનો બનાવ નોંધાયો છે.

પોલીસ ફરિયાદ મુજબ, મૃતક મોહમ્મદ ગુલામ તૈયબહુશેન ગોસ પોતાના મિત્ર મોહમદ સરતાજભાઈ મોહમદ મંજુરશાહ સાથે એક્ટિવા નં. જીજે૧૦ઇડી-૯૨૬૫માં બેસીને અલીયાબાડા તરફ જઈ રહ્યા હતા. દરમિયાન રાત્રિના સમયે જામનગર-રાજકોટ હાઇવે પર આવેલા કોઠાવાલા ટી સ્ટોલ નજીક પહોંચતા પાછળથી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલા અજાણ્યા ટ્રકે તેમની એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર બંને વ્યક્તિઓ રોડ પર ફંગોળાઈ ગયા હતા. આ દરમિયાન ટ્રકનું ટાયર મૃતકના માથા પર ફરી વળતાં તેને અત્યંત ગંભીર ઇજાઓ પહોંચી હતી. ખોપરીના ભાગે જીવલેણ ઇજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં પાછળ બેઠેલા મોહમદ સરતાજભાઈને પણ શરીરે ઇજાઓ પહોંચી હતી.

અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક પોતાનું વાહન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માત બાદ હાઇવે પર લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. ઘટનાસ્થળે સર્જાયેલા દ્રશ્યો જોઈ ઉપસ્થિત લોકો પણ હચમચી ઉઠ્યા હતા. મૃતકના પરિવારજનો સુધી દુ:ખદ સમાચાર પહોંચતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

આ બનાવ અંગે પોલીસ દ્વારા એક્ટિવામાં પાછળ બેઠેલા અને ઇજાગ્રસ્ત બનેલા મોહમદ સરતાજભાઈની ફરિયાદના આધારે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો તથા મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય ટેક્નિકલ પુરાવાઓના આધારે ફરાર ટ્રક અને તેના ચાલકને શોધવાના પ્રયાસો શરૂ કર્યા છે.

અકસ્માતના બીજા બનાવમાં જામનગરના ધરારનગર વિસ્તારમાં રહેતા  ફરિયાદી ઇસ્માઈલભાઈ અબ્દુલભાઈ કક્કલ (ઉ.વ.૬૦) સ્કૂટી નં. જીજે૧૦કયુ-૨૪૯૩ લઇને જામનગર તરફ આવી રહ્યા હતા ત્યારે સરમત પાટીયા પાસે પાછળથી આવેલી જી.જે. ૧૦ ટી.વાય-૯૯૯૯ નંબરની ખાનગી લકઝરી બસના ચાલકે બેફિકરાઈપૂર્વક વાહન હંકારી તેમની સ્કૂટી સાથે ટક્કર મારી હતી. અકસ્માતમાં ફરિયાદીને જમણા પગમાં ગંભીર ઇજા પહોંચતા પાંચ ટાંકા આવ્યા હતા તેમજ પાંસળીમાં ફ્રેક્ચર થયું હતું. અકસ્માત બાદ બસચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application