સંસદના બજેટસત્રનો પ્રારંભ, આવતીકાલે બજેટ

  • January 31, 2023 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાષ્ટ્રપતિ મુર્મુનું સંસદના બંને ગૃહોને સંબોધન : આવતીકાલે નાણામંત્રી નિર્મલા સીતારામન 2023-24નું બજેટ રજુ કરાશે



સંસદના બજેટ સત્રનો આજથી પ્રારંભ થયો છે. બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન સાથે થઇ હતી. આ સત્રમાં નાણાપ્રધાન નિર્મલા સિતારમણ આવતીકાલ 1 ફેબ્રુઆરીએ, મોદી સરકારના બીજા કાર્યકાળનુ સંભવત છેલ્લું પૂર્ણકદનું બજેટ રજૂ કરશે. રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ દ્રૌપદી મુર્મુ સેન્ટ્રલ હોલમાં પહેલીવાર સંસદના બંને ગૃહોને સંબોધિત કર્યું છે. .આ પછી નાણામંત્રી નિર્મલાએ દેશનું આર્થિક ચિત્ર રજુ કર્યું હતું અને તેમાં આવનારા દિવસોમાં આર્થિક પડકારોનો સામનો કરવાનો રોડ મેપ દર્શાવ્યો હતો.. . આર્થિક સર્વેક્ષણ દેશમાં અર્થતંત્રની સ્થિતિ દર્શાવે છે. તેના આધારે નિષ્ણાતો સામાન્ય બજેટની જોગવાઈઓ અંગે અંદાજ કાઢે છે.


સસંદના બજેટ સત્રના પહેલા ભાગમાં 13 ફેબ્રુઆરી સુધી સંસદના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના સંબોધન અને સામાન્ય બજેટ પર ચર્ચા થશે. આ દરમિયાન વડાપ્રધાન સંબોધન પરની ચર્ચાનો જવાબ આપશે. પ્રથમ ભાગમાં, સંસદના બંને ગૃહોમાં કોઈ બિલ રજૂ કરવામાં નહી આવે. 13 માર્ચથી 6 એપ્રિલ દરમિયાન બજેટસત્રના બીજા ભાગ દરમિયાન કાયદાકીય કામકાજ હાથ ધરવામાં આવશે. સત્રના બીજા ભાગમાં જ નાણા પ્રધાન નિર્મલા સીતારમણ બજેટ પરની ચર્ચાનો જવાબ આપશે.


સંસદના આ બજેટ સત્રમાં પણ હોબાળો મચી શકે છે. સરકારની પ્રાથમિકતા રાષ્ટ્રપતિના અભિભાષણ અને ફાઇનાન્સ બિલ સહિત અન્ય બિલો પસાર કરવા સાથે આભાર પ્રસ્તાવ પસાર કરવાની રહેશે. ત્યારબાદ વિપક્ષ વિવિધ મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરે તેવી સંભાવના છે.


સમગ્ર દેશની નજર મોદી સરકારના બીજા કાર્યકાળના સંભવત છેલ્લા પૂર્ણકદના બજેટ પર છે. કારણ કે આ વર્ષે જમ્મુ-કાશ્મીર સહિત દસ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે. જ્યારે આવતા વર્ષે લોકસભાની પણ ચૂંટણી યોજાનાર છે. આવી સ્થિતિમાં લોકોને બજેટમાંથી રાહત મળવાની આશા છે. હંમેશની જેમ, મધ્યમ વર્ગ વિવિધ ટેક્સમાં રાહત મળશે તેવી આશા સાથે રાહ જોઈ રહ્યો છે. જ્યારે અર્થતંત્ર સાથે જોડાયેલા વિવિધ ક્ષેત્રોને પણ બજેટ દ્વારા રાહતની આશા છે. નિષ્ણાતોનું કહેવું છે કે સામાન્ય બજેટ દ્વારા સરકાર ચૂંટણીવાળા રાજ્યો માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application