જામનગરમાં માત્ર ૨૦ રૂપીયા માટે વૃઘ્ધની હત્યાની કોશિશ
જામનગરના નવી વાસ પાસે ગઇકાલે ફ્રુટના ધંધાર્થી વૃઘ્ધ પર છરી વડે હુમલો કરીને જીવલેણ ઇજા પહોચાડવામાં આવી હતી આથી તેઓને તાબડતોબ સારવાર અર્થે જી.જી. હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં રહેતા એક શખ્સે ધરાર ૨૦ રૂપીયાની માંગણી કરી હતી જે આપવાની ના પાડતા આ હુમલો કરવામાં આવ્યો હતો, ફરીયાદના આધારે પોલીસ દ્વારા આરોપીની શોધખોળ આદરી છે.મુળ પોરબંદરના વતની હાલ નવીવાસ પાસે રહેતા અને છેલ્લા ૭-૮ વર્ષથી ફ્રુટનો ધંધો કરતા રમેશભાઇ નારણભાઇ દત્તાણી (ઉ.વ.૬૫) ગઇકાલે સવારે નવીવાસ મસ્જીદ પાસે બાંકડા પર સુતા હતા ત્યારે આરોપી ઇમ્તીયાઝ ત્યાં આવ્યો હતો અને વૃઘ્ધ પાસે બળજબરીથી ૨૦ રૂપીયાની માંગણી કરી હતી.
રમેશભાઇએ ૨૦ રૂપીયા નહી આપતા આરોપી ઉશ્કેરાઇ ગયો હતો અને છરી વડે હુમલો કરી રમેશભાઇને પેટના ભાગે ત્રણેક ઘા ઝીંકી દઇ ગંભીર પ્રકારની જીવલણે ઇજાઓ પહોચાડી હતી, દરમ્યાનમાં ઇજાગ્રસ્ત વૃઘ્ધને સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા, બનાવની જાણ થતા પોલીસ ટુકડી દોડી ગઇ હતી.
વૃઘ્ધ પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવતા આ અંગે પોરબંદર રહેતા તેમના ભત્રીજાને ફોન મારફત જાણ કરવામાં આવી હતી તેઓ જામનગર દોડી આવ્યા હતા દરમ્યાન રાવલીયા પ્લોટ ખાતે રહેતા સંદીપ મનસુખભાઇ દતાણી દ્વારા સીટી-એ ડીવીઝનમાં ઉપરોકત બનાવ અંગે જામનગરના ખાદી ભંડાર નજીક નવીવાસમાં રહેતા ઇમ્તીયાઝ ઉર્ફે ભોયો યુનુસ ગામેતી નામના શખ્સ વિરુઘ્ધ બીએનએસ કલમ ૧૦૯(૧), ૩૦૮(૪), જીપીએકટ ૧૩૫(૧) હેઠળ ફરીયાદ નોંધાવી હતી જેમા જણાવ્યુ હતુ કે ફરીયાદીના મોટા બાપુ ઇજા પામનાર રમેશભાઇ દતાણીએ ૨૦ રૂપીયા નહી આપતા આ ખુની હુમલો કરવામાં આવ્યો હતો, ફરીયાદ અનુસંધાને પોલીસ દ્વારા આરોપીની વિધિવત ધરપકડ કરવા તપાસ લંબાવી છે.