જામનગર: લાલપુરના કાનાછીકારી નજીક ખાનગી કંપનીના કર્મચારી પર જીવલેણ હુમલો
છરીના ઘા ઝીંકી તથા ઢીકાપાટુનો માર માર્યો: કંપનીના વોટસએપ ગ્રુપમાં કરાયેલી રજુઆતનો ખાર કારણભુત
લાલપુરના કાનાછીકારી જવાના રસ્તે પુલ પાસેના રોડ પર ખાનગી કંપનીના કર્મચારીને રોકીને જામનગરના શખ્સે છરી વડે હુમલો કર્યો હતો અને તેની સાથેના અજાણ્યા ૩ શખ્સોએ યુવાનને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ બનાવ અંગે કુલ ચાર સામે ફરીયાદ કરવામાં આવી છે, ટ્રેકટર અન્ય જગ્યાએ ખાલી કર્યાનો કંપનીના વોટસએપ ગ્રુપમાં ફરીયાદીએ જાણ કરતા આ બાબતનો ખાર રાખીને કાવતરુ ઘડયુ હોવાનું પોલીસ ફરીયાદમાં જણાવવામાં આવ્યુ છે.
લાલપુર તાલુકાના ડેરાછીકારી ગામ ડેલી ફળી વિસ્તારમાં રહેતા અને કંપનીમાં નોકરી કરતા અજયસિંહ ગુલાબસિંહ જાડેજા (ઉ.વ.૨૯) નામના યુવાને ગઇકાલે મેઘપર પડાણા પોલીસમાં જામનગરના હરીશ ખેતશી દોસાણી તથા ૨૦ થી ૩૦ વર્ષની ઉમરના ૩ અજાણ્યા શખ્સોની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.
આરોપી હરીશ પોતે ફરીયાદીની કંપનીમાં ટ્રેકટરનું ડ્રાઇવીંગ કામ કરતો હોય જે દરમ્યાન આરોપીએ પોતાનું કામ સરખુ નહી કરી ફરીયાદીએ કહેલ જગ્યાએ ટ્રેકટર ખાલી નહી કરીને અન્ય જગ્યાએ ખાલી કર્યુ હતું આથી અજયસિંહે આ અંગે કંપનીના વોટસએપ ગ્રુપમાં મેસેજ કર્યો હતો જે બાબતનો ખાર રાખીને આરોપી અને અન્ય ૩ શખ્સોએ સાથે મળીને કાવતરુ રચ્યુ હતું.
કાવતરાના ભાગરૂપે ચારેય આરોપીઓએ એક સંપ કરી સ્વીફટ કાર નં. જીજે૩૭એબી-૧૭૦૨ની સાથે આવી કાનાછીકારી જવાના રસ્તે પુલ નજીક ફરીયાદી તથા સાહેદ બાઇકમાં ઘરે જતા હતા ત્યારે બાઇક સાથે કાર ભટકાડીને ફરીયાદીને જાનથી મારી નાખવાના ઇરાદે આરોપી હરીશે છરી વડે હુમલો કર્યો હતો.
ફરીયાદી અજયસિંહને પડખા, સાથળ, પગ સહિતના ભાગે છરીના ઘા ઝીંકી જીવલેણ ઇજા કરી તેમજ ૩ આરોપીઓએ ફરીયાદીને કાંચની બોટલના છુટા ઘા કરી કાન અને હાથ પગ તથા વાંસાના ભાગે ઢીકાપાટુનો માર મારીને ઇજા પહોચાડી હતી. ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવ્યો છે, ફરીયાદ અનુસંધાને મેઘપર પડાણાના પીઆઇ પી.ટી. જયસ્વાલ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.