અરવિંદ કેજરીવાલની હાઈકોર્ટે ફગાવી, ધરપકડમાંથી ન મળી મુક્તિ

  • March 27, 2024 07:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાઈકોર્ટે કેજરીવાલને ઈડીની ધરપકડમાંથી રાહત આપવાનો ઈન્કાર કરી દીધો છે. આ સાથે EDને કેજરીવાલની અરજી પર 2 એપ્રિલ સુધીમાં જવાબ દાખલ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ કેસની આગામી સુનાવણી 3 એપ્રિલે થશે. દિલ્હીના મુખ્યમંત્રીએ તેમની ધરપકડને ગેરકાયદે ગણાવીને હાઈકોર્ટમાં અરજી કરી હતી અને ઈડીની કસ્ટડીમાંથી તેમની તાત્કાલિક મુક્તિની માગણી કરી હતી. કેજરીવાલની અરજીની સુનાવણી જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની ખંડપીઠે કરી હતી. કોર્ટે અરવિંદ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવી અને EDના વકીલ એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુની દલીલો સાંભળ્યા બાદ આજે બપોરે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.


દિલ્હીમાં કથિત એક્સાઇઝ પોલિસી કેસમાં મની લોન્ડરિંગના આરોપોની તપાસ કરી રહેલી EDએ સતત 9 સમન્સ મોકલ્યા બાદ 21 માર્ચે કેજરીવાલની તેમના ઘરેથી ધરપકડ કરી હતી. 21 માર્ચની સાંજે EDની ટીમ 10મીએ સમન્સ લઈને કેજરીવાલના ઘરે પહોંચી હતી. ઘરની તલાશી લીધા બાદ ટીમે મુખ્યમંત્રી કેજરીવાલની તેમના ઘરેથી ધરપકડ કરી અને તેમને ED હેડ ક્વાર્ટર લઈ ગયા.


આ પછી, બીજા દિવસે એટલે કે 22 માર્ચે, EDએ મુખ્યમંત્રીને રાઉઝ એવન્યુની કોર્ટમાં રજૂ કર્યા. જ્યાં EDએ 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કેજરીવાલ વતી કોર્ટમાં હાજર થયેલા અભિષેક મનુ સિંઘવી સહિત ત્રણ વકીલોએ EDની કાર્યવાહીને ખોટી ગણાવી અને રિમાન્ડનો વિરોધ કર્યો. કેજરીવાલના વકીલોએ ED પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો અને કહ્યું કે દેશમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ વર્તમાન મુખ્યમંત્રીની આ રીતે ધરપકડ કરવામાં આવી છે.


કોર્ટમાં દલીલ કરતા કેજરીવાલના વકીલે કહ્યું કે EDનું કહેવું છે કે તેમની પાસે મુખ્યમંત્રી વિરૂદ્ધ તમામ પુરાવા છે, તો પછી તમે ધરપકડ કરવા માટે આચારસંહિતા લાગુ થવા સુધી શા માટે રાહ જોઈ? શું તમે આની રાહ જોઈ રહ્યા હતા? શું ચૂંટણીમાં ભાગ લેવાનો રાજકારણીનો અધિકાર નથી? આ પહેલા કેજરીવાલના વકીલોએ પણ EDની રિમાન્ડની માંગને નકારી કાઢવા માટે કોર્ટમાં અરજી કરી હતી.


અરજીમાં વકીલોએ કહ્યું હતું કે જ્યારે ED કહે છે કે તેઓ પૂછપરછ માટે રિમાન્ડ માંગે છે. મતલબ કે ED પાસે કેજરીવાલ વિરુદ્ધ કોઈ પુરાવા નથી. બીજી તરફ, ED તરફથી હાજર રહેલા આસિસ્ટન્ટ સોલિસિટર જનરલ એસવી રાજુએ દલીલ કરી હતી કે તપાસ એજન્સી પાસે કૌભાંડ અને છેતરપિંડી થઈ હોવાના મજબૂત પુરાવા છે. આમ આદમી પાર્ટીએ ગોવાની ચૂંટણી માટે ભંડોળ એકત્ર કરવા માટે એક્સાઇઝ નીતિમાં ફેરફાર કર્યો હતો. અમારી પાસે નક્કર પુરાવા છે જે દર્શાવે છે કે દિલ્હીની આબકારી નીતિ માત્ર ગોવાની ચૂંટણી માટે ભંડોળ એકત્ર કરવા માટે કરવામાં આવી હતી.


EDએ કોર્ટમાં દલીલ કરી હતી કે આરોપી નક્કી કરી શકે નહીં કે તપાસ એજન્સીને ધરપકડની જરૂર છે કે નહીં. ધરપકડ ક્યારે જરૂરી છે તે સંપૂર્ણપણે તપાસ અધિકારીની વિવેકબુદ્ધિ પર આધારિત છે. તેના જવાબમાં કેજરીવાલના વકીલ વિક્રમ ચૌધરીએ કહ્યું કે જે રીતે ED એક મુખ્યમંત્રીની ધરપકડને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરી રહી છે તેના પરથી સમજી શકાય છે કે તેમનો ઈરાદો શું છે.


આવી સ્થિતિમાં હવે જોવાનું એ રહેશે કે મુખ્યમંત્રી કેજરીવાલને હાઈકોર્ટમાંથી રાહત મળે છે કે નહીં. જો કે કેજરીવાલ પાસે હજુ પણ સુપ્રીમ કોર્ટમાં જવાનો વિકલ્પ છે. ધરપકડ બાદ તરત જ કેજરીવાલ વતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જે સુનાવણી પહેલા જ પાછી ખેંચી લેવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application