જામનગર પોલીસ દ્વારા વ્યાજખોર નાબુદી અભિયાન : જન સભા યોજાઈ

  • January 10, 2023 07:45 PM 

ગુજરાત સરકારના અભિગમ મુજબ વ્યાજખોર નાબુદી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા તથા રાજકોટ રેન્જ ના આઈજીપી અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના અધ્યક્ષ સ્થાને ધવંતરી મંદિરના હોલમાં જનસંપર્ક સભા યોજવામાં આવી હતી. જેમાં અનેક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા, અને વ્યાજખોરોથી પીડિત  એવા ૧૯ નાગરિકોએ લેખિત અરજી આપી છે. જેઓ સામે ફરિયાદ નોંધવાની પ્રક્રિયાઓ હાથ ધરાશે.


 ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અંતર્ગત જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક  પ્રેમસુખ ડેલૂના માર્ગદર્શન હેઠળ ગઇકાલે તા. ૯.૧.૨૦૨૩ ના રોજ સાંજે ૫ થી  ૭  સુધી ધનવંતરી ઓડીટોરિયમ હોલ, જામનગરમાં વ્યાજખોરોથી પીડિત નાગરિકો માટે જનસભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.


આ જનસભામાં વ્યાજખોરોથી પીડિત નાગરિકોએ પોતાની રજૂઆત લેખિત અરજીના રૂપે લાવ્યા હતા. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પોતાના પ્રવચન માં વ્યાજખોરોથી ડરવાની જરૂર નથી, ફરિયાદ કરવાથી પોલીસ દ્વારા કડક પગલા લેવામાં આવશે, સભામાં કુલ ૧૯ ફરિયાદ મળી હતી.જે તમામ અરજી અન્વયે હવે ફરીયાદીને બોલાવી ગુનો નોંધવામાં આવશે ત્યાર પછી પોલીસ આવા વ્યાજખોર સામે કડક પગલા લેશે.


 વ્યાજખોર વિરુદ્ધ અંગે વધુ માહિતી મેળવવા નાગરિકો જામનગર જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ ૦૨૮૮૨-૫૫૦૨૦૦ પર સંપર્ક કરી શકે છે.તેમ પણ એસ. પી. એ જણાવ્યું હતું.જનસભામાં નાયબ પોલીસ વડા વરુણ વસાવા. સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર સહિત રાજયમાં હાથ ધરવામાં આવેલ વ્યાજખોર નાબુદી અભિયાન અંતર્ગત ગઇકાલે જનસભા થઇ હતી પરંતુ એ પહેલા જ એક વ્યાજખોર સામે વિધિવત ફરીયાદ દાખલ થઇ ચુકી છે અને જેમાં સધન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઉપરાંત ખંભાળીયામાં પણ લોક દરબાર યોજાયો હતો જયાં બે વ્યાજખોરની સામે ફરીયાદ નોંધાઇ ચુકી છે. પોલીસ દ્વારા ગેરકાયદે નાણા ધિરધારની પ્રવૃતી સખત રીતે ડામી દેવા માટે જયારે ઝૂંબેશ આદરી છે ત્યારે લોકોએ પણ નિભર્ય રીતે આગળ આવીને વ્યાજખોરો, ખાસ કરીને મોટા માથાને ખુલ્લા પાડવાની તાતી જરૂરીયાત છે જેથી વ્યાજના ખપ્પરમાં હોમાતા પરિવારોને રાહત મળી શક અને વ્યાજખોરો સામે કડક પગલા લઇ શકાય, જનસભામાં મોટી સંખ્યામાં લોકો જોડાતા આગામી દિવસોમાં વ્યાપક ફરીયાદો નોંધાશે તેવું લાગી રહયું છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application