ખંભાળીયામાં વેપારીની હત્યા-લૂંટના ગુનામાં કાવતરાખોર વધુ એક આરોપી ઝડપાયો
મોટરસાયકલ અને મોબાઇલ કબ્જે : રીમાન્ડ માટે તજવીજ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં વેપારી આસીફભાઇ ઓસમાણભાઇ લાખા નામના ઇસમે પહેરેલા આશરે ૩૫ તોલા સોનાના દાગીના (કિંમત અંદાજે રૂ. ૨૪,૫૦,૦૦૦/-) લૂંટવાના ઇરાદે ગુનાહિત કાવતરું રચી તેમની હત્યા નીપજાવવાના ગંભીર ગુનામાં જામ-ખંભાળીયા પોલીસે કાવતરામાં મદદગારી કરનાર વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે.
પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક જયરાજસીંહ વાળા દ્વારા ગંભીર ગુનાઓ અટકાવવા અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલા માર્ગદર્શન હેઠળ ખંભાળીયા પોલીસે આ સફળતા મેળવી છે. આ ચકચારી ઘટના ગત તા. ૦૨-૦૭ ના રોજ બની હતી, જેમાં વિરમદળ રોડથી વિઝંલપર ગામ તરફ જતા કાચા રસ્તે આવેલા અરજણસર તળાવ પાસે અંતરિયાળ વિસ્તારમાં આસીફભાઇને બોલાવીને જીવલેણ ઇજા પહોંચાડી મોતને ઘાટ ઉતારાયા હતા અને દાગીનાની લૂંટ ચલાવાઇ હતી. આ અંગે ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ ૧૦૩(૧), ૩૦૯(૬), ૬૧ તથા જી.પી. એક્ટની કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધાયો હતો. અગાઉ આ ગુનામાં મુખ્ય આરોપી હાજાભાઇ ભારમલભાઇ આસાણી તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પકડાયા હતા. નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલ અને પીઆઇ સી.આર.રાણાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે આરોપીઓની આકરી પૂછપરછ કરતાં પૂર્વ આયોજિત કાવતરાનો પર્દાફાશ થયો હતો.
જેમાં આ ઘટનાને અંજામ આપ્યા બાદ લાશને સગેવગે કરવા અને પુરાવાનો નાશ કરવામાં મદદગારી કરવાની જવાબદારી લેનાર ત્રીજા આરોપી રવીભાઇ સુરાભાઇ ગામણા (રહે. ગુલાબનગર ટેકરી, પોરબંદર રોડ, ખંભાળીયા) ને ધોરણસર અટક કરવામાં આવ્યો છે.
પોલીસે આરોપી પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલ રૂ. ૫,૦૦૦/- ની કિંમતનો એન્ડ્રોઇડ મોબાઇલ અને રૂ. ૨૫,૦૦૦/- ની કિંમતનું મોટરસાયકલ (નંબર જીજે-૧૦-ડીએમ-૮૩૮૯) મળી કુલ રૂ. ૩૦,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ કેસની વધુ તપાસ પીઆઇ સી.આર.રાણા ચલાવી રહ્યા છે. આ સફળ કામગીરીમાં પીઆઇ પીએસઆઇ જે.ટી.ચાવડા અને સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા.