પડધરી નજીક જૂથ અથડામણમાં એક વ્યકિતનું મોત, જુઓ Video... 

  • April 28, 2023 10:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પડધરીમાં ખોડીયાર હોટલ નજીક સમી સાંજના પાડોશમાં રહેતા બે પરિવાર વચ્ચે સશસ્ત્ર અથડામણ થઇ હતી.જેમાં ગંભીર ઇજા પહોંચતા વૃદ્ધનું મોત થયું હતુું.જ્યારે બંનેપક્ષે મળી ચાર વ્યક્તિઓને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવને લઈ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ગટરના પાણી પ્રશ્ર્ને થયેલી બોલાચાલી બાદ ધોકા-પાઇપ અને ધારીયા વડે મારામારી થઇ હતી.આ મામલે વૃધ્ધની હત્યા અંગે પોલીસે ૧૦ શખસો સામે ગુનો નોંધી તેને ઝડપી લીધા હોવાનું જાણવા મળ્યું છે.


હત્યાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, પડધરીના ખોડીયાર હોટલ નજીક બાયપાસ રોડ પર સમી સાંજના બે પરિવાર એકબીજા પર ધોકા-ધારીયા સહિતના હથિયારો વડે તૂટી પડ્યા હતા. જેમાં પાંચ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. જે પૈકી ગંભીર રીતે ઘવાયેલા જેન્તીભાઈ પ્રેમજીભાઈ સોલંકી(ઉ.વ 65)(રહે.ગીતાનગર,પડધરી)ને સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. જ્યારે અન્ય ચાર ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.સમી સાંજના પડધરીમાં થયેલી જૂથ અથડામણની આ ઘટનાને લઇ સ્થાનિક પોલીસ કાફલો બનાવસ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો.


પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ, એક પક્ષે ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી છે જેમાં સુરેશ જેન્તીભાઈ સોલંકી(ઉ.વ.૪૧),મુકેશ જયંતીભાઈ સોલંકી(ઉ.વ ૩૩) અને રવિ સુરેશભાઈ સોલંકી(ઉ.વ ૧૯)નો સમાવેશ થાય છે. જ્યારે સામેના પક્ષે શૈલેષ મનસુખભાઇ સોલંકી(ઉ.વ ૨૫) ને ઇજા પહોંચી હતી.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, ગટરનું પાણી ઘર તરફ આવતું હોય જેથી આ બાબતે જેન્તીભાઇ સમજાવવા જતા બાદમાં બંને પક્ષો વચ્ચે બોલાચાલી થયા બાદ આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.બાદમાં બંને એકબીજા પર હથિયારો વડે તૂટી પડ્યા હતા. જેમાં દેવીપુજક વૃદ્ધની હત્યા થઈ હતી. બનાવનો ભોગ બનનાર જેન્તીભાઈ સોલંકીને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.


આ મામલે પડધરી પોલીસે વૃદ્ધની હત્યા અંગે તેમના પાડોશમાં રહેતા દેવસી કરમસી સોલંકી, વિકાસ દેવસી સોલંકી, શૈલેષ મનસુખ સોલંકી, પરેશ ભોલા સોલંકી, અનિલ મનસુખ સોલંકી, નિમિષ મનસુખ સોલંકી, ચતુર કરમશી સોલંકી, જીતુલ ઉર્ફે ટકો ભોલા સોલંકી, ભોલા કરમશી સોલંકી અને મનસુખ કરમશી સોલંકી સહિત દશ શખસો સામે ગુનો નોંધી તેને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જયારે સામાપક્ષે શૈલેષભાઈ મનસુખભાઈ સોલંકી પર જેન્તી, સુરેશ અને મુકેશે પાઇપ વડે હુમલો કરતા ગંભીર ઈજાઓ પહોંચાડી હોય તે અંગે પણ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application