BREAKING NEWS

બગસરામાં સિંહણે 7 વર્ષના બાળકને ખેતરમાં ઢસડી જઈને ફાડી ખાધો, રોષે ભરાયેલા પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો

  • June 12, 2026 07:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ઘંટીયાળ ગામમાંથી વન્ય પ્રાણીના હુમલાની એક અત્યંત કાળજું કંપાવી દે તેવી અને લોહિયાળ ઘટના સામે આવી છે. ઘંટીયાળ ગામની સીમમાં આવેલી પારસ સોજીત્રા નામના સ્થાનિક ખેડૂતની વાડીએ વહેલી સવારે એક હિંસક સિંહણે ત્યાં રમતા માસૂમ બાળક પર જીવલેણ હુમલો કર્યો હતો. સિંહણ આ ૭ વર્ષના નિર્દોષ બાળકને ગળાના ભાગેથી પકડીને ખેતરમાં દૂર સુધી ઢસડી ગઈ હતી અને તેને નિર્મમ રીતે મોતને ઘાટ ઉતારી દીધો હતો.

મળતી વિગતો મુજબ, મૃતક માસૂમ બાળક અહીં વાડીમાં ખેતમજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા પરપ્રાંતીય શ્રમિક પરિવારનો એકનો એક દીકરો હોવાનું જાણવા મળ્યું છે. આ ભયાનક દુર્ઘટનાને પગલે સ્થાનિક ખેડૂતો અને શ્રમિકોમાં વન વિભાગની બેદરકારી સામે ભારે આક્રોશ અને રોષ ફાટી નીકળ્યો છે.


સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં વન્ય પ્રાણીઓના આતંકની આ કોઈ પ્રથમ ઘટના નથી. એકલા ઘંટીયાળ ગામની સીમમાં જ વન્ય પ્રાણીઓ દ્વારા માનવ પર હુમલો કરાયો હોય તેવી આ ત્રીજી મોટી ઘટના છે. જ્યારે સમગ્ર બગસરા પંથકની વાત કરીએ તો, અત્યાર સુધીમાં વન્ય પ્રાણીઓના હુમલાની કુલ 22 જેટલી નાની-મોટી ઘટનાઓ ઘટી ચૂકી હોવાનો ગંભીર આક્ષેપ ખેડૂત આગેવાનોએ લગાવ્યો છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, હિંસક પ્રાણીઓ અવારનવાર માનવ વસ્તી તરફ અને સીમ વિસ્તારમાં આવી ચડે છે. વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં વન વિભાગ દ્વારા કોઈ નક્કર કે કાયમી પગલાં ભરવામાં આવતા નથી, જેના કારણે રોજબરોજ નિર્દોષ શ્રમિકો અને તેમના બાળકો કાળનો કોળિયો બની રહ્યા છે.


આ કરુણ અને હૃદયદ્રાવક ઘટના બાદ મૃતક બાળકના કલ્પાંત કરી રહેલા પરિવારે અને સ્થાનિક ગામના આગેવાનોએ વન વિભાગ સામે આરપારની લડાઈ આદરી છે. પોતાની વહાલસોયા દીકરાની ગુમાવનાર પરિવારે હોસ્પિટલ ખાતે બાળકના મૃતદેહને સ્વીકારવાનો સાફ ઇનકાર કરી દીધો છે. તેમણે આક્રોશપૂર્વક જણાવ્યું છે કે, જ્યારે પણ વન્ય પ્રાણીઓ હુમલો કરીને કોઈ ગરીબનો જીવ લે છે, ત્યારે વન વિભાગના અધિકારીઓ માત્ર ઘટનાસ્થળે દોડી આવે છે અને વળતર તેમજ પાંજરા ગોઠવવાની વાતો કરીને માત્ર ઠાલા આશ્વાસનો આપીને જતા રહે છે. પરંતુ હવે પાણી માથા પરથી ગયું છે અને અમે આવી કાગળ પરની વાતોમાં આવવાના નથી.


પીડિત પરપ્રાંતીય પરિવારે તંત્ર સામે આકરી માંગ કરી છે કે, જ્યાં સુધી રાજ્યના વનમંત્રી પોતે રૂબરૂ આ ઘટનાસ્થળે નહીં આવે અને લેખિતમાં ખાતરી નહીં આપે કે ભવિષ્યમાં આવી લોહિયાળ ઘટના આ વિસ્તારમાં ફરી ક્યારેય નહીં બને અને ખેતમજૂરોને સંપૂર્ણ સુરક્ષા મળશે, ત્યાં સુધી તેઓ બાળકના મૃતદેહનો સ્વીકાર કરશે નહીં અને અંતિમ સંસ્કાર પણ નહીં કરે. પરિવારની આ મક્કમતાને પગલે વહીવટી તંત્ર અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા છે. હાલમાં પોલીસ કાફલા સાથે વન વિભાગની ટીમ દ્વારા પરિવાર અને ગ્રામજનોને સમજાવવાના અને મામલો થાળે પાડવાના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.


સિંહણના આ ઘાતકી હુમલા બાદ સમગ્ર બગસરા પંથકના ખેડૂતો, મહિલાઓ અને ખાસ કરીને વાડી વિસ્તારમાં ઝૂંપડા બાંધીને રહેતા ખેતમજૂરોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. સ્થિતિ એટલી ગંભીર છે કે ખેડૂતો કપાસ કે અન્ય પાકના ઉભા મોલની વચ્ચે પોતાની વાડીએ જવા માટે પણ ડરી રહ્યા છે. સ્થાનિક સ્તરેથી વન વિભાગ દ્વારા આ સમગ્ર હિંસક બેલ્ટમાં તાત્કાલિક ધોરણે મોટા પાંજરા મૂકવામાં આવે અને માનવભક્ષી કે હિંસક બનેલી સિંહણ અને તેની સાથેના અન્ય વન્ય જીવોને તાત્કાલિક ધોરણે પાંજરે પૂરીને ઘીરના જંગલોમાં ઊંડે ખસેડવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. હાલ ઘંટીયાળ ગામમાં ભારે તંગદિલી અને ઘેરા શોકનો માહોલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News