BREAKING NEWS

દ્વારકા : શૌર્યના નાદ સાથે ૩૦ કિમીની ભવ્ય બાઈક રેલી

  • May 07, 2026 01:06 PM 

દ્વારકા : શૌર્યના નાદ સાથે ૩૦ કિમીની ભવ્ય બાઈક રેલી

દ્વારકામાં ક્રાંતિવીર મુરૂભા માણેકની ૧૫૮મી પુણ્યતિથિ નિમિત્તે

જગતમંદિરે ઘ્વજારોહણ, મહાપ્રસાદ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા: ક્ષત્રિય વાઘેર સમાજના ૧૫ હજાર યુવાનો રેલીમાં જોડાશે

દેવભૂમિ દ્વારકાની પવિત્ર ધરા પર આજે શૌર્ય, બલિદાન અને દેશભક્તિનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. ભારતીય સંસ્કૃતિ અને વીરતાના પ્રતીક સમાન ક્રાંતિવીર શ્રી મુરુભા માણેકની ૧૫૮મી પુણ્યતિથિ નિમિત્તે આજે ૭ મે, ૨૦૨૬ના રોજ બેટ દ્વારકાથી દ્વારકા સુધી ૩૦ કિલોમીટરની ભવ્ય બાઈક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 

આ કાર્યક્રમ અંતર્ગત સવારના સમયના તમામ ધાર્મિક અને ભોજનના પ્રસંગો ભાવપૂર્વક સંપન્ન થયા છે. સવારે ૧૧:૦૦ કલાકે જગત મંદિરના શિખરે નૂતન ધ્વજાજીનું પૂજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ બપોરે ૧૨:૦૦ થી ૦૨:૦૦ દરમિયાન શ્રી સ્વામિનારાયણ મંદિર, બેટ દ્વારકા ખાતે હજારો શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. બપોરે ૦૩:૦૦ કલાકે નીકળેલી ધ્વજાજીની ભવ્ય શોભાયાત્રાએ ભાવિકોમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું.

હવે આ કાર્યક્રમના બીજા ચરણમાં, સાંજે ૪:૩૦ કલાકે ધ્વજારોહણની વિધિ પૂર્ણ થયા બાદ ભવ્ય બાઈક મહારેલીનું પ્રસ્થાન થશે.

દ્વારકાના ધારાસભ્ય શ્રી પબુભા માણેક અને જ્ઞાતિના અગ્રણીઓની આગેવાની હેઠળ આયોજિત આ રેલીમાં ૧૨ થી ૧૫ હજાર જેટલા ક્ષત્રિય વાઘેર યુવાનો પોતાની પારંપરિક વેશભૂષામાં સજ્જ થઈને જોડાશે. 

આ વિશાળ રેલી બેટ દ્વારકાથી પ્રસ્થાન કરી નવનિર્મિત સુદર્શન સેતુ માર્ગે થઈ હાઈવે પરથી પસાર થશે. રેલીના નિર્ધારિત માર્ગ મુજબ આરંભડા, સુરજકરાડી, વીર ભગતસિંહ માર્ગ (ફાટક રોડ), મીઠાપુરના વિવિધ મંદિરો તેમજ ભીમરાણા, મકનપુર, શિવરાજપૂર અને વરવાળા થઈને આ રેલી દ્વારકા પહોંચશે. રેલીના અંતે દ્વારકા ખાતે ક્રાંતિવીર શ્રી મુરુભા માણેકની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના બલિદાનને યાદ કરવામાં આવશે. હજારો યુવાનોની ઉપસ્થિતિમાં યોજાનારો આ કાર્યક્રમ નવી પેઢીમાં દેશભક્તિ અને સંસ્કારોનું સિંચન કરવા સાથે જ્ઞાતિની એકતા અને ખમીરનું પ્રદર્શન કરશે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application