BREAKING NEWS

મહેસાણામાં ધો. 7ની વિદ્યાર્થિનીએ આવાસના છઠ્ઠા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું

  • July 02, 2026 01:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહેસાણાના સોમનાથ રોડ પર આવેલી પંડિત દીનદયાલ નગર આવાસ યોજનાની બિલ્ડિંગમાં આજે વહેલી સવારે આઘાતજનક ઘટના બની હતી. આવાસની નજીક આવેલી શિવકૃપા સોસાયટીમાં રહેતી અને ધોરણ સાતમાં અભ્યાસ કરતી ચાર્મી પરમાર નામની ૧૪ વર્ષીય કિશોરીએ અગમ્ય કારણોસર આવાસના છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. પુત્રીએ કયા સંજોગોમાં આ આત્મઘાતી પગલું ભર્યું તેને લઈને પરિવાર સ્તબ્ધ છે અને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, મૃતક વિદ્યાર્થિની ચાર્મી રોજની જેમ વહેલી સવારે ઘરેથી રાજીખુશીથી ચા-નાસ્તો કરીને સ્કૂલે જવા માટે નીકળી હતી. તેનો શાળાનો સમય સવારે ૭:૩૦ વાગ્યાનો હોવાથી તે આશરે સાત વાગ્યે ઘરની બહાર નીકળી હતી. પરંતુ શાળાએ પહોંચવાના બદલે તે પંડિત દીનદયાલ નગર આવાસની બિલ્ડિંગ તરફ ગઈ હતી અને ત્યાં અચાનક જ છઠ્ઠા માળે પહોંચી નીચે કૂદી પડી હતી. આ કરુણ ઘટના વહેલી સવારે આશરે ૭:૦૦ થી ૭:૩૦ વાગ્યાના અરસામાં બની હોવાનું જાણવા મળ્યું હતું. આપઘાત કરવા પાછળનું કારણ હજી બહાર આવ્યું નથી.

શાંત અને વહેલી સવારના સમયે બનેલી આ ભયાનક ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ હતી. પંડિત દીનદયાલ નગર એસોસિયેશનના પ્રમુખ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, સવારે સાડા સાત વાગ્યાની આજુબાજુ આ દુઃખદ ઘટના ઘટી હતી. ઘટનાની જાણ થતાં જ આજુબાજુના રહીશો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. સોસાયટીના અગ્રણીઓ દ્વારા તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ અને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને જાણ કરવામાં આવી હતી. આ તરફ દીકરીના આપઘાતના સમાચાર વાયા-વાયા વાલી સુધી પહોંચતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

ઘટનાની ગંભીરતાને જોતાં મહેસાણા એ ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મહેસાણા એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.આર. પારઘીએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, મૃતક કિશોરીની ઓળખ ચાર્મી પરમાર (ઉંમર ૧૪ વર્ષ) તરીકે થઈ છે. તે ઘરની નજીક જ આવેલી સિદ્ધાર્થ સ્કૂલમાં ધોરણ સાતમાં અભ્યાસ કરતી હતી. વહેલી સવારે બનેલી આ ઘટના બાદ પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 108 અને પોલીસની ટીમ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

હજી સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે માત્ર ૧૪ વર્ષની નાની ઉંમરે ચાર્મીએ આવું આક્રમક પગલું શા માટે ભર્યું. ઘરમાં કોઈ કલેશ હતો, શાળાનું કોઈ દબાણ હતું કે પછી અન્ય કોઈ અગમ્ય કારણ, તે હજુ સુધી પોલીસ તપાસમાં સપાટી પર આવ્યું નથી. એ ડિવિઝન પોલીસે જણાવ્યું છે કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ અને મૃતકના પરિવારજનો તેમજ શાળાના શિક્ષકો-મિત્રોની પૂછપરછ કર્યા પછી જ આપઘાત પાછળનું સાચું કારણ જાણી શકાશે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. એક માસૂમ કળીએ ખીલતા પહેલા જ દુનિયા છોડી દેતા સમગ્ર મહેસાણામાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application