ખંભાળિયા: ભાણવડ પોલીસે ઝડપી પાડી દારૂ ભરેલી કાર
૬૦૦ લીટર દારૂ, કાર સહિત ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે : આરોપી ફરાર
ભાણવડમાં સ્થાનીક પોલીસે બાતમીનાં આધારે દારૂ ભરેલ કારનો ફિલ્મી ઢબે પીછો કરીને આંતરી લીધી હતી અને બાદ આડસ મૂકી કારને ઝડપી લીધી હતી જેમાં થી એક લાખ બાવીસ હજારની કિંમતનો દેશી દારૂ તેમજ કાર મળી કુલ રૂ. ત્રણ લાખ વીસ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, જો કે બુટલેગર ફરાર થઈ જતાં તેની શોધખોળ શરૂ કરી છે.
રાજકોટ રેન્જ આઈ.જી. નિલિપ્ત રાયે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં અસામાજીક પ્રવૃત્તિ સામે કડક હાથે કામ લેવા જીલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા તેમજ ડી.વાય.એસ.પી. મિત રૂદલાલને સૂચના આપી હતી.
સૂચના અનુસાર ભાણવડનાં પી.આઈ. વી.કે. કોઠીયા ટીમ સાથે રાત્રી પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં તે દરમ્યાન શહેરનાં રણજીત પરામાં સ્વીફ્ટ કાર જી.જે.-૧૨-જે-૪૦૦૬ પુરપાટ શંકાસ્પદ હાલતમાં જઈ રહી હોવાની બાતમી મળતાં પોલીસે કારનો ફિલ્મી ઢબે પીછો કરી આંતરી લીધી હતી, ત્યાર બાદ આડસ મૂકી દૂધેશ્વર મંદિર પાસે કારને ઝડપી લીધી હતી.
કારને ઝડપી લીધા બાદ તેની તલાસી કરતાં કારમાં ૬૦૦ લીટર પીવાનો દેશી દારૂ મળી આવ્યો હતો આમ પોલીસે દારૂ તેમજ કાર મળી કુલ રૂ. ત્રણ લાખ વીસ હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો, જો કે બુટલેગર કાર સાઈડ કરીને રેઢી મૂકી નાસી છૂટ્યો હતો.
કાર્યવાહીમાં ભાણવડનાં પી.આઈ. વી.કે. કોઠીયા, સ્ટાફનાં કિશોરસિંહ જાડેજા, નારણભાઈ બેલા, જીતુભાઈ જામ, લાખાભાઈ ખાટલીયા, યોગરાજસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ જાડેજા રોકાયા હતા.