BREAKING NEWS

બોટાદમાં ઇન્સ્ટાગ્રામ ચેટના વિવાદમાં સમાધાન માટે બોલાવી યુવકની હત્યા, બે યુવકને ગંભીર ઈજા

  • July 10, 2026 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સોશિયલ મીડિયા પર થતી સામાન્ય ચર્ચાઓ અને વિવાદો ક્યારેક કેટલા ગંભીર અને જીવલેણ સાબિત થઈ શકે છે, તેનો એક ચોંકાવનારો કિસ્સો બોટાદ શહેરમાંથી સામે આવ્યો છે. બોટાદના ખસ રોડ વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ પર થયેલી એક ચેટના વિવાદ અંગે સમાધાન કરવાના બહાને બોલાવાયેલા યુવકો પર તીક્ષ્ણ હથિયારો વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

મળતી માહિતી અનુસાર, બોટાદના ખસ રોડ વિસ્તારમાં હરપાલ ખાચર, અક્ષય ખાચર અને સતુ બોરીચા નામના ત્રણ યુવકો પર અચાનક તીક્ષ્ણ હથિયારોથી સજ્જ થઈને આવેલા શખ્સોએ હુમલો કરી દીધો હતો. આ હુમલો એટલો ભયાનક અને આયોજનબદ્ધ હતો કે યુવકોને સંભાળવાની તક પણ મળી નહોતી. હુમલામાં ગંભીર ઈજાઓ થવાના કારણે હરપાલ ખાચર નામના યુવકનું ઘટનાસ્થળે જ લોહીલુહાણ હાલતમાં મોત નીપજ્યું હતું. જ્યારે અક્ષય ખાચરને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેને વધુ સારવાર માટે તાત્કાલિક ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ત્રીજા યુવક સતુ બોરીચાની હાલત પણ ગંભીર હોવાથી તેની સારવાર હાલ બોટાદની સ્થાનિક હોસ્પિટલમાં ચાલી રહી છે.

પોલીસની પ્રાથમિક તપાસ અને સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, આ સમગ્ર લોહિયાળ ખેલ પાછળ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ જવાબદાર છે. ઇન્સ્ટાગ્રામ પર એક યુવતીને મોકલવામાં આવેલા ફ્રેન્ડ રિક્વેસ્ટ મુદ્દે બંને પક્ષો વચ્ચે છેલ્લા થોડા સમયથી ભારે વિવાદ અને બોલાચાલી ચાલી રહી હતી. આ બાબતની અંગત અદાવત મનમાં રાખીને યુવતીના ભાઈ અને તેના સાગરીતોએ આ યુવકોનો કાંટો કાઢી નાખવાનું કાવતરૂ ઘડ્યું હતું. આરોપીઓએ મેસેજનો વિવાદ શાંત કરવા અને સમાધાન કરવાના બહાને હરપાલ ખાચર અને તેના મિત્રોને ખસ રોડ પર બોલાવ્યા હતા અને પૂર્વ આયોજિત પ્લાનિંગ મુજબ તેમના પર તીક્ષ્ણ હથિયારોથી તૂટી પડ્યા હતા.

હત્યાની આ સનસનાટીભરી ઘટનાને પગલે બોટાદની સરકારી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, ક્ષત્રિય સમાજના અગ્રણીઓ અને મૃતકના પરિવારજનો એકત્રિત થઈ ગયા હતા, જેના કારણે હોસ્પિટલ પરિસરમાં ભારે તંગદિલી સર્જાઈ હતી. બનાવની ગંભીરતાને જોતાં બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા સહિત ડીવાયએસપી, એલસીબી અને એસઓજી સહિતનો પોલીસનો મોટો કાફલો તાત્કાલિક હોસ્પિટલ તેમજ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. હાલ મૃતકના શબને પોસ્ટમોર્ટમ  માટે મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ચકચારી હત્યાકાંડ અંગે બોટાદ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયેલા મુખ્ય આરોપી (યુવતીના ભાઈ) અને તેના સાગરીતોને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application