BREAKING NEWS

ઉપલેટા પાસે બાઇક ડિવાઇડર સાથે અથડાતા કુતીયાણાના મોળવદર ગામના યુવાનનું મોત

  • October 09, 2025 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
કુતિયાણાના મોળવદર ગામે રહેતો યુવાન સવારના સુમારે ઘરેથી ઉપલેટા જતો હતો ત્યારે ઉપલેટા નજીક ગણોદના પાટિયે દ્વારકેશ હોટલ નજીક તેનું બાઈક ડિવાઇડર સાથે ભટકાતા યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા અહીં ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો. યુવાન ટ્રકમાં ક્લીનર તરીકે નોકરી કરતો હોય તે ઉપલેટાથી કોઈનું બાઈક લઈને અહીં ઘરે આવ્યો હોય જે બાઈક પરત આપવા માટે જતો હતો દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી.


અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કુતિયાણા તાલુકાના મોળવદર ગામે રહેતો વિજય રવજીભાઈ સોલંકી નામનો યુવાન ગઈકાલે સવારના બાઈક લઈને ઘરેથી ઉપલેટા જતો હતો ત્યારે ઉપલેટા નજીક પોરબંદર-ઉપલેટા નેશનલ હાઈવે રોડ પર ગણોદના પાટીયા પાસે દ્વારકેશ હોટેલ નજીક તેનું બાઈક ડિવાઈડર સાથે અથડાતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે ઉપલેટા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અહીં ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો.


અકસ્માતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, અકસ્માતમાં મોતની ભેટનાર વિજય બે બહેનનો એકનો એક ભાઈ હતો. યુવાન ટ્રકમાંથી કામ કરતો હતો મંગળવારે સાંજના તે ઉપલેટાથી કોઈનું બાઈક લઈને ઘરે આવ્યો હતો ત્યારબાદ ગઈકાલ સવારે આ બાઈક પરત આપવા માટે જતો હતો. દરમિયાન અકસ્માત નડતા તેનું મોત થયું હતું. બનાવના પગલે યુવાનના પરિવારમાં કલ્પાંત છવાયો હતો. બીજી તરફ અકસ્માતના બનાવને લઇ ઉપલેટા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application