રાજકોટમાં વ્યાજંકવાદમાં ફસાયેલા યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે, રિક્ષા લેવા માટે વ્યાજે લીધેલા 1.50 લાખની સામે વ્યાજનું વ્યાજ વસૂલી યુવકે આપેલો ચેક બેંકમાં નાખી કોર્ટ કેસ કરતા આર્થિકરીતે પહેલાથી જ ભાંગી પડેલા યુવક માનસિક રીતે પણ તૂટી પડતા ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. યુવકે આપઘાત પૂર્વે લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી છે જેમાં પોતાના મોતનું એક માત્ર કારણ કેવડાવાળી શ્યામ પ્રોવિઝન સ્ટોર્સ વાળા જયદીપ મૈયડ (બોરીચા) હોવાનું લખ્યું છે. પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના લલુડી વોકળા પાસે કેવડાવાળીમાં રહેતા અમિતભાઇ અરવિંદભાઈ તન્ના (ઉ.વ.40)ના યુવકે સાંજે આઠેક વાગ્યે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તાકીદે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજે વહેલી સવારે ચાલુ સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી પુરી કરી કરી હતી. આપઘાત કરનાર અમિતભાઈ રિક્ષા હંકારી પરિવારનું ગુજરાન ચલાવતા હતા, માતા પિતા હયાત નથી અને પોતે એકના એક હતા. સંતાનમાં એક ત્રણ વર્ષનો એક પુત્ર છે, તેણે પિતાનું છત્ર ગુમાવી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
આપઘાત પૂર્વે લખેલી સ્યુસાઇડ નોટ શબ્દશ
હું અમિતભાઈ અરવિંદભાઈ તન્ના જે પગલું ભરવા જઈ રહ્યો છું તેનો સંપૂર્ણ પણે જવાબદાર વ્યક્તિ જયદીપ દિનેશભાઇ મૈયડ (બોરીચા) કેવડાવાડી 6/12 )શ્યામ પ્રો.સ્ટોર) છે. આ વ્યક્તિ હસ્તક મેં રિક્ષા લેવા માટે રૂ.2018મ એના ઓળખીતા પ્રવીણભાઈ (મામા) પાસેથી એક લાખ રોકડા અને 50,000 એની મંડળી માંથી લોન લીધી હતી. જે બાદ દર મહિને રૂ.1 લાખનો 11000 હપ્તો થઈને જયદીપને 1,20,000 ચૂકવવાના હતા ને મંડળી પેટે મહિને રૂ.2500નો હપ્તો ચૂકવવાનો હતો.આવું નક્કી થયું હતું. જે મેં ચાર મહિના સુધી સમયસર ચુકવ્યું હતું. એ અરસામાં મારા પપ્પાને 2018માં કેન્સરનું નિદાન થયું હતું અને 2019 માં મારા પિતાનું નિધન થતાં દવાખાનાને પહોંચી વળવા માટે બજારમાંથી મેં પૈસા ઉપાડેલા હતા એ લોકોને બધાને ચૂકવવા માટે મારાથી જયદીપના પૈસા આપવામાં મોડું થવા લાગતું હતું, 2020 માં લોક ડાઉન થઈ ગયું હતું, પછી મારી પાસે પૈસા ચૂકવવાની હાલત ન હતી એટલે પૈસાની લેવડ-દેવડમાં મારે જયદીપ સાથે થોડું મન દુઃખ થઈ ગયું હતું અને પરિસ્થિતિ એવી આવી એણે 10% વ્યાજ લેવાનું ચાલુ કર્યું એ વ્યાજ એટલે 12,250 ફક્ત વ્યાજ લેવામાં આવતું હતું, મૂડીમાં જમા થતું નહતું, રૂ,12,250 વ્યાજ દેવામાં મોડું થયું તો રૂપિયા 1225 એનું પણ વ્યાજ મારી પાસેથી લેવામાં આવતું હતું. અને ખરેખર છેલ્લે હું પહોંચી ન શક્યો તો મારી રીક્ષા પણ જમા લઈ લીધી હતી. 2020 માં એણે મેં આપેલા કોરા ચેકમાં એક 2 લાખ 7 હજાર રૂપિયાનો અને 70,000 ભરેલો ચેક બેંકમાં નાખી દીધો હતો અને મારે એને પૈસા ચૂકવવા જ પડશે એવી ધાકધમકીથી હું કંટાળી ગયો છું,
છેલ્લે જ્યારે લીમડા ચોક ટી પોસ્ટ ઉપર સમાધાન માટે બોલાવેલ ત્યારે એણે મને એવું કીધેલું હતું કે, દવા પીજા એટલે કામ પતે અને તું દવા પી જા એટલે જજ સાહેબ જ મને જામીન આપી દેશે, પોતે વકીલનું ભણેલ છે, ભાઈ વકીલ છે, મારે તો ખાલી કાગળ જ છાપવાનો છે, હવે હું આને પહોંચી શકું એમ છું નહીં. મારે તા.7-2ની કોર્ટની તારીખ છે, મેં એને તા.5 ના બપોરના સમયે ફોન કર્યો હતો કે મારે તને 30,000 આપવાના છે તો એ મારી પાસે 15000 જેવી સગવડતા છે પણ જયદીપ એ કહ્યું હતું કે મારે પૈસા પુરા જોશે, જ્યારે ખરેખર મરતો માણસ ખોટું ના બોલે, મેં જયદિપ ને તેના મામાના પૂરે પૂરા પૈસા ચૂકવી આપેલ છે, અને એણે મારી પાસે કેટલું વ્યાજ લીધું છે એ હવે મને પણ યાદ નથી, આજે દવા પી ને મારા જીવનનો અંત લાવવા માગું છું મને મજબૂર કરનારા એક જ વ્યક્તિ છે જયદીપ... અને કોર્ટ, કાયદા, પ્રશાસન અને પોલીસને એક જ સવાલ છે કે શું ચેક આપવા વાળો માણસ હંમેશા ખોટો જ હોય ? એને ઈમાનદારીથી પૈસા જમા ન કરાવ્યા હોય ? અને એક ચેક લખીને નાખી દેનાર જ સાચો હોય ? બને તો આ વાત વિશે વિચારજો અને જો ખોટું તો હું મરી જાવ તો મને ન્યાય અપાવજો, બસ એ જ, ને આ આખી વાત મારા બાપાસીતારામને સાક્ષી રાખીને કરું છું, આમાં એક પણ શબ્દ ખોટો નથી, જયદીપ હું અમિત ભૂત બનીને પણ મારો હિસાબ લેવા તારી પાસે ચોક્કસ આવીશ....
આજે કોર્ટની તારીખ ભરે પહેલા જ જિંદગી ટૂંકાવી
જયદીપે અમિતભાઇ પાસેથી કોરા ચેક લીધા હોવાથી તે બેંકમાં નાખતા બાઉન્સ થયા હતા અને જયદીપે નેગોશિએબલનો કેસ પણ કોર્ટમાં કર્યો હતો આથી અમિતભાઇ ખુબ ચિંતામાં રહેતા હતા. આજે તા.7ના કોર્ટમાં હાજર થવાનું હતું એ પૂર્વે જ અમિતભાઇએ ઝેરી દવા પી જીવનનો અંત લઇ લીધો હતો.