પડધરીના નાની અમરેલીમાં લોડર હેઠળ કચડાઈ જતા યુવાનનું ઘટનાસ્થળે મોત

  • May 27, 2025 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ પડધરીમાં નાની અમરેલી ગામ પાસે આવેલા નીલકંઠ પેપરમીલની ઓરડીમાં રહેતો શ્રમિક યુવાન રાત્રિના અહીં ગોડાઉનમાં નાઈટ ડ્યુટી દરમિયાન પૂઠું ઓઢી સૂતો હતો. દરમિયાન લોડર ચાલકે તેના પર વાહન ચડાવી દેતા ગંભીર ઈજા થવા સબબ શ્રમિક યુવાનનું મોત થયું હતું. આ અંગે મૃતકના મોટાભાઈની ફરિયાદ પરથી પડધરી પોલીસે લોડર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના કટારપુરા ગામના વતની અને હાલ પખવાડિયાથી અહીં પડધરી પાસે નાની અમરેલી ગામ નજીક આવેલા નીલકંઠ પેપરમીલની ઓરડીમાં રહેતા સરદાર બલિયા ગેહલોત (ઉ.વ 23) નામના યુવાને પડધરી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જેસીબી લોડર નંબર જીજે 3 એચ.પી 5927 ના ચાલક અજય ઉર્ફે કાલીયાનું નામ આપ્યું છે.


યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પાંચ ભાઈ બે બહેનનો પરિવાર ધરાવે છે. જેમાં જીતેન્દ્ર(ઉ.વ 22) વચેટ હતો. યુવાન તેનો ભાઈ રાહુલ અને જીતેન્દ્ર અહીં ઓરડીમાં સાથે રહે છે. ગઈકાલે સવારના યુવાનને તેના ભાઈ રાહુલે જણાવ્યું હતું કે જીતેન્દ્ર પર લોડર ચડી જતા તેને ઈજા પહોંચી છે. જેથી યુવાન દોડીને અહીં પહોંચ્યો હતો.


બાદમાં તેને માલુમ પડ્યું હતું કે જીતેન્દ્રની નાઈટ ડ્યુટી હોય દરમિયાન તે અહીં પૂંઠાના ઢગલા પર પૂઠું ઓઢી સૂતો હતો લોડર ચાલક અજય ઉર્ફ કાલીયા અહીં લોડરથી પૂઠા ભરતો હતો દરમિયાન જીતેન્દ્ર પર આ લોડર ફરી વળ્યું હતું. જેથી તેને ગંભીર ઈજા પહોંચતા તે અહીં ઇજાગ્રસ્ત હાલતમાં બેભાન પડ્યો હતો. 108ના ઇએમટી અહીં આવી જોઈ તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી પડધરી પોલીસે જેસીબી લોડરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બનાવાની વધુ તપાસ પીએસઆઇ વી. કે. સુરાણી ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application