ગુજરાતના રાજકારણ અને વડોદરાના સાંસ્કૃતિક ઇતિહાસના એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે. વડોદરાની માંજલપુર બેઠકના વરિષ્ઠ અને લોકપ્રિય ધારાસભ્ય યોગેશ પટેલ (કાકા)નું લાંબી હૃદયરોગની બીમારી બાદ સારવાર દરમિયાન અવસાન થયું છે. છેલ્લા કેટલાય સમયથી તેઓ હૃદયની તકલીફથી પીડાતા હતા, જેના પગલે તેમને બે દિવસ અગાઉ વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સઘન સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લેતા સમગ્ર વડોદરા સહિત રાજ્યના રાજકીય આલમમાં ઘેરા શોકની કાલીમા છવાઈ ગઈ છે.
તેમના નિધનના પગલે ફરી એકવાર ગુજરાત વિધાનસભા ખંડિત થઈ છે. ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું ૬ માર્ચ, ૨૦૨૬ના રોજ અવસાન થતાં બેઠક ખાલી પડી હતી, જોકે ત્યારબાદ યોજાયેલી પેટાચૂંટણીમાં તેમના પુત્રનો વિજય થયો હતો. હવે યોગેશ કાકાની વિદાયથી માંજલપુરની બેઠક ખાલી પડી છે. તેઓ વડોદરાની જનતામાં અભૂતોપૂર્વ લોકચાહના ધરાવતા હતા અને તેમના જવાથી વડોદરાએ એક સાચો અને ચોવીસ કલાક પ્રજા માટે ઉપલબ્ધ રહેતો જનસેવક ગુમાવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માંજલપુર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય યોગેશ પટેલના અવસાન અંગે ઘેરા શોક અને દુ:ખની લાગણી વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થ યોગેશ પટલને જનપ્રતિનિધિ તરીકે રાષ્ટ્રસેવા અને જન સેવાના કાર્યમાં અવિરત કર્તવ્યરત રહીને સામાન્ય જનના હ્રદયમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ તેનું સ્મરણ કરતાં પરમકૃપાળુ પરમાત્મા દિવંગત યોગેશભાઈના આત્માને શાંતિ આપે અને શોક સંતપ્ત પરિવારને તેમજ તેમના સમર્થકોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી છે.
સતત ૮ વખત ધારાસભ્ય બનવાનો રેકોર્ડ
યોગેશ પટેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સતત ૮ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાવાનો એક અત્યંત દુર્લભ અને વિરલ રેકોર્ડ ધરાવે છે. તેમણે પોતાની પ્રારંભિક રાજકીય સફરમાં વડોદરાની રાવપુરા વિધાનસભા બેઠક પરથી સતત ચૂંટણીઓ જીતીને ભારતીય જનતા પાર્ટી (BJP)નો ગઢ મજબૂત કર્યો હતો. ત્યારબાદ સીમાંકન બદલાયા પછી, તેઓ માંજલપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા અને ત્યાં પણ રેકોર્ડબ્રેક જંગી મતોની સરસાઈથી વિજેતા બનતા રહ્યા હતા. વર્ષ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમણે આ બેઠક પર ભવ્ય વિજય મેળવ્યો હતો અને ગુજરાત વિધાનસભાના સૌથી વરિષ્ઠ ધારાસભ્ય તરીકેનું બહુમાન મેળવ્યું હતું.
લોકોમાં ‘કાકા’ના હુલામણા નામે જાણીતા યોગેશ પટેલે રાજ્ય સરકારમાં પણ મહત્વની જવાબદારીઓ ખૂબ જ કુશળતાપૂર્વક સંભાળી હતી. વિજય રૂપાણીની સરકારમાં તેઓ રાજ્ય કક્ષાના નર્મદા વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી તરીકે સેવાઓ આપી ચૂક્યા હતા. મંત્રી પદ દરમિયાન તેમણે વડોદરા સહિત સમગ્ર મધ્ય ગુજરાતના વિકાસ કાર્યોને અદભુત વેગ આપ્યો હતો. તેઓ સામાન્ય નાગરિકોની સમસ્યાઓ સાંભળવા માટે રાત-દિવસ જોયા વગર ચોવીસ કલાક તત્પર રહેતા નેતા હતા.
પોતાની જ સરકાર સામે અવાજ ઉઠાવનાર નિડર લોકનેતા
યોગેશ કાકાની સૌથી મોટી વિશેષતા તેમની નિડરતા અને સ્પષ્ટવક્તા શૈલી હતી. વડોદરાના સ્થાનિક પ્રશ્નો જેવા કે રસ્તા, પીવાનું પાણી અને ડ્રેનેજ જેવી પાયાની સુવિધાઓ માટે તેઓ પોતાની જ ભાજપ સરકાર સામે પણ અવાજ ઉઠાવવામાં ક્યારેય અચકાતા નહોતા. વહીવટી શિથિલતા કે અધિકારીઓની આળસ સામે તેઓ સીધા મુખ્યમંત્રી અને સંબંધિત મંત્રીઓને ધારદાર પત્રો લખીને સચોટ રજૂઆતો કરતા રહેતા હતા. તેમની આ જ લોકાભિમુખ અને નીડર શૈલીને કારણે જનતાના હૃદયમાં તેમનો ભારે આદર હતો.
રાજકારણ ઉપરાંત વડોદરાની સાંસ્કૃતિક ઓળખ સમાન પરંપરાગત ઉત્સવો, ખાસ કરીને નવરાત્રી અને ગણેશોત્સવના ભવ્ય આયોજનોમાં યોગેશ પટેલે વર્ષો સુધી સક્રિય અને અગ્રેસર ભૂમિકા ભજવી હતી. તેમણે વડોદરામાં યોજાતી વિશ્વપ્રસિદ્ધ 'શિવજી કી સવારી'ને એક આગવી વૈશ્વિક ઓળખ આપી હતી. તેમની ૮ ટર્મની લાંબી સંસદીય સફર અને જનતા સાથેનું સીધું આત્મીય જોડાણ તેમને વડોદરાના રાજકીય ઇતિહાસના સૌથી કદાવર અને આદરણીય નેતા સાબિત કરે છે.
આંદોલનકારીથી શરૂ થયેલી સફર
યોગેશ પટેલના આંદોલનકારી જીવનની શરૂઆત કોલેજકાળ દરમિયાન થઈ હતી. ૩ જૂન, ૧૯૭૮નો એ ઐતિહાસિક દિવસ હતો, જ્યારે સવારે મહિલાઓ દૂધ કેન્દ્રો પર દૂધ લેવા પહોંચી ત્યારે ડેરી દ્વારા મનસ્વી રીતે ૧૦ પૈસાનો ભાવવધારો ઝીંકી દેવાયો હતો. કેન્દ્ર સંચાલકોએ વધારાના પૈસા માંગતા મહિલાઓએ ભારે હોબાળો મચાવ્યો, પણ કોઈ પરિણામ ન આવ્યું. આ અંગેની જાણ યોગેશ પટેલને થતાં તેમણે મોંઘવારી વિરુદ્ધ ઉગ્ર આંદોલન શરૂ કર્યું. અમદાવાદી પોળ સહિત વડોદરા શહેરમાં આવેલા તમામ ૨૩૫ દૂધ કેન્દ્રો બંધ કરાવાયા, તોડફોડ અને આગચંપીના બનાવો બન્યા. આ દરમિયાન અમદાવાદી પોળનું દૂધ કેન્દ્ર સળગાવતી વખતે યોગેશ પટેલ પોતે સખત રીતે દાઝી ગયા હતા.
કોલેજકાળ દરમિયાન તેમણે દૂધ અને તેલના ભાવવધારા જેવાં અનેક લોકહિતના આંદોલનો કરીને સ્થાનિક અને રાજ્યકક્ષાએ પ્રશાસનનું ધ્યાન ખેંચ્યું હતું. એ સમયે શાળાઓમાં ચાલતી ઉઘાડી લૂંટ અને ફી વધારા સામે તેમણે ‘વિદ્યાર્થી હિતરક્ષક સમિતિ’ની સ્થાપના કરી એટલું ઉગ્ર આંદોલન કર્યું કે જેના પડઘા છેક દિલ્હી સંસદ સુધી પડ્યા હતા અને અંતે સરકારને ફી નિયમન અંગે કાયદો લાવવાની ફરજ પડી હતી.
સ્વામીજીની એ કોટી, ટોપી અને ફરાસખાનાનો મૂળ વ્યવસાય
ખૂબ ઓછા લોકો જાણે છે કે રાજકારણમાં આવતા પહેલાં યોગેશ પટેલનો મૂળ વ્યવસાય ફરાસખાનાનો (ડેકોરેશન અને મંડપ સર્વિસ) હતો. સાવલી ભીમનાથ મહાદેવ મંદિર ખાતે સ્વામીજીની નિશ્રામાં દર સોમવારે અને દશેરાના દિવસે ભજન-કીર્તનનું ધાર્મિક આયોજન થતું હતું, જેમાં તેમના ફરાસખાનાનો સામાન જતો હતો. ૧૯૯૦ પહેલાં એક દશેરાના દિવસે જ્યારે તેમનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે સ્વામીજી અચાનક કોટી અને ટોપી પહેરીને આવ્યા અને મજાકમાં પૂછ્યું કે, "હું નેતા જેવો લાગું છું ને?" થોડીવારની મજાક પછી સ્વામીજીએ તે કોટી અને ટોપી યોગેશ પટેલને આપી દીધી અને આશીર્વાદ આપતા ચૂંટણી લડવા માટે જણાવ્યું હતું. બસ, ત્યારથી તેઓ દરેક ચૂંટણીમાં કે ચોક્કસ શુભ સમયે સ્વામીજીએ આપેલી એ જ કોટી પહેરતા હતા અને ખિસ્સામાં હંમેશા એ ટોપી રાખતા હતા.
મેનકા ગાંધી સાથેનો અતૂટ ભાઈ-બહેનનો સબંધ અને રાજકીય વળાંક
વિદ્યાર્થી હિતરક્ષક સમિતિના નેજા હેઠળ આંદોલનો કર્યા બાદ યોગેશ પટેલે ‘વડોદરા વિકાસ મંચ’ જેવા સ્થાનિક પક્ષોની રચના કરી વડોદરા કોર્પોરેશનની ત્રણ વખત ચૂંટણી લડી હતી, પરંતુ ત્રણેય વખત તેમનો પરાજય થયો હતો. એ સમયે દેશના વડાપ્રધાન રાજીવ ગાંધી હતા અને તેમનાથી છૂટા પડીને વી.પી. સિંહે ‘જનતા પાર્ટી’ બનાવી, જેમાં યોગેશ પટેલ જોડાયા. વર્ષ ૧૯૯૦ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ જનતા પાર્ટીની ટિકિટ પર રાવપુરા બેઠક પરથી પ્રથમ વખત ચૂંટણી લડ્યા અને ભવ્ય જીત મેળવી ધારાસભ્ય બન્યા.
આ પૂર્વે, સંજય ગાંધીના અવસાન બાદ જ્યારે ઇન્દિરા ગાંધી અને મેનકા ગાંધી વચ્ચે પારિવારિક ખટરાગ થયો, ત્યારે કપરા સમયમાં યોગેશ પટેલ મેનકા ગાંધીને વડોદરા લઈ આવ્યા હતા અને તેમને હિંમત આપી હતી. વડોદરામાં તેમનું એવું ઐતિહાસિક અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેવું આજદિન સુધી કોઈ નેતાનું થયું નથી. દુઃખના સમયે પડખે ઊભા રહેલા યોગેશ પટેલને મેનકા ગાંધી પોતાના સગા ભાઈ માનતા હતા અને દર રક્ષાબંધને રાખડી મોકલતા હતા.
૧૯૯૫માં યોગેશ પટેલ ભાજપમાં જોડાયા. ભાજપમાં આવ્યા બાદ બે વખત પક્ષના સ્થાનિક સમીકરણોને કારણે તેમની ટિકિટ કાપવાના પ્રયાસો થયા હતા, પરંતુ એ સમયે મેનકા ગાંધીએ દિલ્હી ભાજપ મોવડીમંડળમાં વ્યક્તિગત રજૂઆત કરીને યોગેશ પટેલને ટિકિટ અપાવી હતી અને ભાઈનું ઋણ અદા કર્યું હતું. ભાજપમાં જોડાયા બાદ તેઓ રાવપુરામાંથી ૫ વખત અને માંજલપુર બેઠક પરથી ૨ ટર્મ સુધી સતત ચૂંટાયા, અને ૨૦૨૨માં ૮મી વખત ધારાસભ્ય બનીને ઇતિહાસ રચ્યો હતો. તેમના અવસાનથી વડોદરાએ તેનો હરતો-ફરતો મોભી ગુમાવ્યો છે, જેની ખોટ ક્યારેય પુરાશે નહીં.