પુરાતત્વવિદ્દો દ્વારા દ્વારકાના દરિયાની અંદર સંશોધન કાર્ય શરુ

  • February 20, 2025 12:01 PM 

પાંચ મહિલા સહિત સભ્યો દ્વારા ગ્રાઉન્ડ બ્રેકિંગ અન્ડર વોટર સંશોધન શરુ કર્યું: ગત વર્ષે પ્રધાનમંત્રી દ્વારા સ્કુબા ડ્રાઇવીંગ કરાયું હતું


1980ના દાયકામાં તત્કાલીન પુરાતત્ત્વ વિભાગના વડા દ્વારા સમુદ્રમાં ડૂબી ગયેલી પૌરાણિક દ્વારકાની શોધખોળ માટે અભિયાન હાથ ધરેલ જેમાં તેમને મહત્ત્વપૂર્ણ અવશેષો પ્રાપ્ત થયેલ. ર001 બાદ આ વિભાગે ગુજરાતના દ્વારકા, લક્ષદ્વીપના પાંખ બંગારામ, તમિલનાડુના મહાબલીપુરમ, મણીપુરના લોકટક તળાવ અને મહારાષ્ટ્રના એલીફન્ટા ટાપુ પર સંશોધન કાર્ય કરી રહેલ હોવાનું મંત્રાલયે ઉમેર્યુ હતું. હાલના આ સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને અભ્યાસ માટેના સંશોધન કાર્યમાં અન્ડરવોટર આર્કિયોલોજીકલ વિંગને ભારતીય નૌસેના તથા અન્ય સરકારી વિભાગોએ પણ સહયોગ કર્યો છે. આ પહેલા પણ વર્ષ 2005 થી 2007 સુધી દ્વારકાના દરીયા કિનારાના ભાગોમાં કરેલ ખોદકામમાં વિભાગને પૌરાણિક શિલ્પો અને પત્થરો તથા લંગરો મળી આવેલ જે સંશોધનોને આધારે હાલના આ સંશોધન કાર્યનો પ્રારંભ કરવામાં આવેલ છે.


આર્કોલોજીકલ સર્વે ઓફ ઈન્ડીયાના પાંચ પુરાતત્ત્વવિદોની એક ટીમ દ્વારા યાત્રાધામ દ્વારકા નજીકના સમુદ્ર કિનારે પાણીની અંદર સંશોધન કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભારતીય સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા જણાવ્યાનુસાર ભારતના સમુદ્રમાં ગરકાવ થયેલ સાંસ્કૃતિક વારસાને સુરક્ષિત કરવા મહત્ત્વના મિશનના ભાગરુપે પુરાતત્ત્વ વિભાગની મહિલા સભ્યો સહિતની પાંચ સદસ્યોની ટીમ દ્વારા સંશોધન કાર્યનો પ્રારંભ કરાયો છે.


પુરાતત્ત્વ ખાતાની નવીનીકૃત અન્ડરવોટર આકયોલોજી વિંગ દ્વારા એ.ડી.જી. પ્રોફેસર આલોક ત્રિપાઠીની આગેવાનીમાં પાંચ સદસ્યોની ટીમ દ્વારા યાત્રાધામ દ્વારકા તથા બેટ દ્વારકામાં કિનારાથી દૂર સમુદ્રની અંદર સંશોધન કાર્યને પુન:જવિત કરવામાં આવ્યું છે અને દ્વારકાના દરિયામાં ગ્રાઉન્ડ બ્રેકિંગ અન્ડર વોટર સંશોધન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પ્રોફેસર આલોક ત્રિપાઠી તથા તેમની ટીમના એચ.કે.નાયક, અપરાજિતા શમર્,િ પૂનમ વિંદ, રાજકુમારી બાર્બીના સહિતની ટીમે ગોમતી નદીના ક્રીક વિસ્તારમાં પ્રારંભિક તપાસકાર્યનો પ્રારંભ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ વખત એ.એસ.આઈ. દ્વારા નોંધપાત્ર મહિલા સદસ્યોને સમુદ્રની અંદરના તપાસકાર્યમાં ભાગ લીધો છે.


પ્રધાનમંત્રી મોદી પણ કરી ચૂકયા છે વીઝીટ
અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દ્વારકા વીઝીટ દરમ્યાન સમુદ્રમાં ડૂબી ગયેલ દ્વારકાના સ્થળે સ્કૂબા ડાઈવીંગ કરી પહોંચ્યા બાદ પૌરાણિક દ્વારકાના તટની પૂજા તથા મોરપિંછ અર્પણ કરાયું હતું અને વિશ્વને દ્વારકાના સાંસ્કૃતિક વારસો નજરે નિહાળી શકાય તેવી વ્યવસ્થા કરવાની જાહેરાત કરી હતી.


અન્ડરવોટર વ્યુઈંગ ગેલેરી માટે ઉપયોગી થશે સર્વેક્ષણ
સરકારના ભવિષ્યના પ્રોજેકટમાં સમુદ્રમાં ડૂબી ગયેલી દ્વારકાને નિહાળી શકાય તેવી અન્ડર વોટર વ્યુઈંગ ગેલેરીની ભેટ આપવાની જાહેરાત કરાયા બાદ હાલના આ સંશોધન કાર્યથી સરકારના આ મહાત્વાકાંક્ષી પ્રોજેકટના સર્વેક્ષણ બાદ અમલીકરણમાં પણ ઉપયોગી સાબિત થશે તેમ જાણકારોનું માનવું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application