મુંબઈ જેવા મેટ્રો સિટીમાં હોય તેવી અલ્ટ્રા મોર્ડન વર્કિંગ વુમન હોસ્ટેલનું રાજકોટના અટલ સ્માર્ટ સિટી એરિયામાં મહાનગરપાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવી રહ્યું છે, દરમિયાન તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા સાઇટ વિઝિટ કરવામાં આવી હતી અને મ્યુનિ.અધિકારીઓ, ઇજનેરો તેમજ એજન્સીના પ્રતિનિધિઓને સમયસર પ્રોજેક્ટ પૂર્ણ કરવા તાકિદ કરવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ગઈકાલે શહેરના વિવિધ મહત્વપૂર્ણ વિકાસકાર્યો તથા નાગરિક સુવિધાઓની સ્થળ પર જઈને મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે રાજકોટ શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોને વધુ સુવિધાયુક્ત સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી ચાલી રહેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી.
મ્યુનિસિપલ કમિશનરએ સૌપ્રથમ પુષ્કરધામ મેઈન રોડ પર આવેલા હોકર્સ ઝોનની મુલાકાત લીધી હતી. આ સ્થળે હોકર્સ માટે બનાવવામાં આવેલી વ્યવસ્થાઓ, સફાઈ વ્યવસ્થા, ટ્રાફિકની સરળ અવરજવર તેમજ સામાન્ય નાગરિકોને થતી સુવિધાઓ અંગે તેમણે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. હોકર્સ ઝોનમાં વ્યવસ્થિત અને સ્વચ્છ વાતાવરણ જળવાઈ રહે, નાગરિકોને કોઈ અસુવિધા ન થાય તથા હોકર્સને રોજગાર માટે યોગ્ય માહોલ મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ પણ તેમણે આપી હતી.
ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનરએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત મવડી ઈન્ડોર સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. સ્ટેડિયમમાં ઉપલબ્ધ રમતીય સુવિધાઓ, ઈમારતની ગુણવત્તા, સુરક્ષા વ્યવસ્થા તેમજ ખેલાડીઓ માટેની સુવિધાઓ અંગે વિગતવાર નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે શહેરના યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ થાય અને રમતગમતને પ્રોત્સાહન મળે તે હેતુથી આ પ્રકારની આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. સ્ટેડિયમની જાળવણી તથા તેનો યોગ્ય ઉપયોગ થાય તે બાબતે પણ તેમણે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ બાદ મ્યુનિસિપલ કમિશનરએ સ્માર્ટ સિટી વિસ્તાર હેઠળ નિર્માણાધીન વુમન વર્કિંગ હોસ્ટેલની મુલાકાત લીધી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત કામકાજ કરતી મહિલાઓને સુરક્ષિત, સુવ્યવસ્થિત અને આધુનિક રહેણાંક સુવિધા ઉપલબ્ધ કરાવવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. તેમણે નિર્માણ કાર્યની પ્રગતિ, ગુણવત્તા, સુરક્ષા વ્યવસ્થા તેમજ આવશ્યક સુવિધાઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. સાથે જ કામ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય અને ગુણવત્તામાં કોઈપણ પ્રકારની કમી ન રહે તે માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી.મ્યુનિસિપલ કમિશનરની વિઝિટ દરમ્યાન નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી સહિતના સંબંધિત અધિકારીઓ અને એજન્સીના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.