BREAKING NEWS

મહિલા કોન્સ્ટેબલે પતિ-સાસુના ત્રાસ- મારકૂટથી કંટાળી આપઘાત કર્યો’તો

  • October 17, 2025 04:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરના કોઠારીયા રોડ શિવાની ચોક પાસે સિલ્વર સ્પેસમાં રહેતા અને આજીડેમ પોલીસ મથકના કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર હરશીતી હર્ષભાઇ ભારડીયાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જે અંગે મૃતકના માતાની ફરિયાદ પરથી તેણીના પતિ અને સાસુ સામે આજીડેમ પોલીસ મથકમાં પરિણીતાને મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધાયો છે.


મૂળ જામજોધપુરના જામવાળી ગામના વતની અને હાલ રાજકોટમાં ભીમનગર ચોક પાસે વામ્બે આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતા ગંગાબેન વિનોદભાઈ ધુડા (ઉ.વ 48) દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે હર્ષદ મનુભાઈ ભરડીયા અને ચંપાબેન મનુભાઈ ભારડીયાના નામ આપ્યા છે. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રાજકોટ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરે છે. તેમને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. જેમાં મોટી દીકરી હરશીતીના લગ્ન આઠેક વર્ષ પહેલાં નણંદ ચંપાબેનના, પુત્ર હર્ષદ મનુભાઈ ભારડીયા (રહે. ગણેશ નગર મનપા કુવાની સામે કામદાર સોસાયટી પાછળ, જુનાગઢ) સાથે થયા હતાં. હરશીતીને સંતાનમાં પુત્ર પૃથ્વી(ઉ.વ ૬) છે. દીકરી હરશીતી તેના પતિ હર્ષ તથા પુત્ર સાથે રાજકોટમાં કોઠારીયા રોડ શિવાની ચોક પાસે સિલ્વર સ્પેસ સાતમાં માળે ફ્લેટમાં રહેતી હતી. દીકરી છેલ્લા બે વર્ષથી અહીં રાજકોટમાં આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતી હતી.


ગઈ તા.8/9/2025 ના બપોરના સુમારે ફરિયાદી નોકરી પર હતા ત્યારે ફરિયાદીને પતિએ આવી વાત કહી હતી કે જમાઈ હર્ષદકુમારનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, આપણી દીકરી હરશીતીએ ઝેરી દવા પી લીધી છે તેને રાજનગર ચોક ખાતે સમ્યક હોસ્પિટલમાં સારવારમાં લઈ ગયા છે. બાદમાં તા. 6/10/ 2025 ના દીકરીને વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તા. 7-10-2025 ના તેનું મોત થયું હતું.


મહિલાએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, દીકરી હરશીતી ગઈ તા.6/9 ના ઘરે આવી હતી અને વાત કરી હતી કે, હર્ષ તેની માતાની વાતોમાં આવી અવારનવાર મારી સાથે ઝઘડો કરે છે અને મને મારે છે. કાકાજી સસરા મનસુખભાઈનું અવસાન થયું હોય ત્યારે જુનાગઢ ખાતે ગયા હતા ત્યારે હર્ષ અને મારા સાસુ ચંપાબેન મારી સાથે ઝઘડો કર્યો હતો અને સાસુએ મને બે થપ્પડ મારી હતી તેવી વાત કરી હતી. અગાઉ પણ પાંચેક વખત હર્ષ અને ચંપાબેનના દુઃખ ત્રાસથી કંટાળી દીકરી રિસામણે આવી હતી તેનો ઘર સંસાર ન બગડે માટે તેને સમજાવી પરત સાસરીયે મોકલી હતી.


આમ ફરિયાદીની પુત્રી હરશીતીને તેના પતિ હર્ષ તથા સાસુ ચંપાબેન પુત્ર પૃથ્વીનો વર્ષ 2018 માં જન્મ થયા પછી સતત દુઃખ ત્રાસ આપતા હોય તેનાથી કંટાળી દીકરીને મરવા મજબૂર થયા અંગે તેની માતાએ આ ફરિયાદ નોંધાવતા આજીડેમ પોલીસે પતિ અને સાસુ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application