લગ્નગાળો શરૂ થતાં યાર્ડમાં ફરી શાકભાજીના ભાવ ઉંચકાયા; જયપુરથી વટાણાની આવક

  • February 12, 2024 04:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધૂમ લગ્નગાળો શરૂ થતાં રાજકોટ માર્કેટ યાર્ડમાં ફરી શાકભાજીના ભાવ વધવા લાગ્યા છે, હાલમાં ખાસ કરીને કેટરર્સ સર્વિસ પ્રોવાઇડર્સ તેમજ હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સની ખરીદીનું પ્રમાણ વધ્યું છે. હજુ એક પખવાડિયા સુધી ભાવમાં આવી જ તેજી જોવા મળશે. હાલ સુધી મધ્યપ્રદેશથી વટાણાની આવક થતી હતી તે બંધ થઇ છે અને આજથી જયપુરથી વટાણાની આવક શરૂ થઇ છે.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના ઇન્સપેક્ટર કાનાભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે લગ્ન ગાળાને કારણે શાકભાજીમાં ધૂમ ખરીદી નીકળતા બજાર ઉંચકાયું છે અને હજુ એક પખવાડિયું મતલબ કે તા.29 ફેબ્રુઆરી સુધી લગ્નના મુહુર્ત હોય આવી જ તેજી જોવા મળશે. ગ્રામ્ય વિસ્તારોમાં ધૂમ લગ્નો હોય એકંદરે આવકમાં ઘટાડો નોંધાયો છે. રાજકોટ માર્કેટ યાર્ડના કાર્યક્ષેત્ર હેઠળના રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના 180 ગામોના કાર્યક્ષેત્રમાંથી સ્થાનિક આવકો ઉપરાંત ગુજરાત તરફથી પણ આવકો સતત ચાલુ રહેતા સ્થાનિક ઘટ સરભર થઇ રહી છે. વટાણા, ભીંડો, ગુવાર, વાલોર, વાલ, ઘીસોડા, લીંબુ, મરચા, કાકડી, ટમેટા, કારેલા તેમજ ગ્રીન સલાડમાં વપરાશમાં લેવાતા તમામ શાકભાજી સહિતના ભાવ વધી રહ્યા છે. જ્યારે કોબીજ, ફ્લાવર અને રીંગણાં સહિતના શાકભાજીની પુષ્કળ આવક થઇ રહી હોય તેના ભાવ ઓછા છે. એકંદરે અન્ય જિલ્લા અને અન્ય રાજ્યમાંથી આવતા શાકભાજીના ભાવ ઉંચા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application