જામનગર સહિત સમગ્ર હાલારમાં ગુલાબી ઠંડીનું આગમન થઇ ચૂકયું છે, આજે સવારે પણ ઠંડક ભર્યો માહોલ જોવા મળ્યો છે, હજુ બપોેરે ૧૧ થી ૫ દરમ્યાન ગરમી હોવાના કારણે લોકો પરેશાન થાય છે, પરંતુ સાંજે ૬ વાગ્યા બાદ ઠંડીનો માહોલ જોવા મળ્યો છે ત્યારે આગામી દિવસોમાં ઠંડી વધુ પડશે તેવી પણ હવામાન ખાતાએ આગાહી કરી છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ રૂમના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ૨૧.૫ ડીગ્રી મહત્તમ તાપમાન ૩૩.૫ ડીગ્રી, હવામાં ભેજ ૬૪ ટકા, પવનની ગતિ ૧૦ થી ૧૫ કિ.મી. પ્રતિકલાક જોવા મળી હતી. ગુજરાતના અન્ય શહેરો કરતા જામનગર દરિયાકાંઠે હોય ભેજનું પ્રમાણ પણ વધે છે, એટલું જ નહીં ઠંડો પવન પણ અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે. જો કે મોટાભાગના ચેકડેમો ભરાઇ ગયા છે, જેને કારણે પીવાના પાણીની કે ખેતીમાં અપાતા પાણીને કોઇ મુશ્કેલી નહીં પડે.
ખેતીવાડી નિષ્ણાંતોના જણાવ્યા મુજબ હાલારના પાછોતરા વરસાદને કારણે ખેતીમાં લાભ તો થયો છે, પરંતુ જીવાતને કારણે નુકશાન પણ સારૂ થયું છે, જો કે સરકાર તરફથી આ અંગે સહાય આપવી કે કેમ ? તે અંગે હજુ સતાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી.
જામનગર સહિત સૌરાષ્ટ્રના કેટલાક ગામડાઓમાં પાછોતરા વરસાદ બાદ કપાસ બગડવાની થોડી શકયતા વધી ગઇ છે અને તેમાં જીવાત શરૂ થઇ છે જેને કારણે ફાલ ખરી જવાની તેવી ગંભીર સ્થિતિનું પણ કયાંક નિર્માણ થયું છે જેથી ખેડુતોને ભારે નુકશાન થવાની શકયતા છે. કપાસમાં નુકશાનીનો માર ખેડુતો સહન કરી શકશે નહીં, તાત્કાલીક અસરથી સરકારે જે-જે ખેડુતોને નુકશાનીનો સામનો કરવો પડયો છે તેવા ખેડુતોને યોગ્ય વળતર આપવાની જાહેરાત પણ કરવી જોઇએ. ખરી રીતે હાલારમાં પણ પાછલો વરસાદ ખેડુતો માટે થોડો વિનાશકારી સાબીત થયો છે.