જામનગર સહિત સમગ્ર હાલારમાં ધીરે-ધીરે શિયાળાની છાંટ વર્તાઇ રહી છે, વ્હેલી સવારે ઠંડક અને બપોરના ગરમી જેવું વાતાવરણ જોવા મળ્યું છે, મિશ્ર ઋતુ શરૂ થઇ છે અને શિયાળાનું ધીરે-ધીરે આગમન શરૂ થઇ ચૂકયું છે ત્યારે ગુજરાત સરકારના હવામાન ખાતાએ આજથી ચોમાસુ રાજયભરમાંથી વિદાય લેશે તેવી જાહેરાત કરી છે, એવા અરસામાં હવે ધીરે-ધીરે શિયાળાનું આગમન થઇ રહ્યું છે. આજે સવારે પણ ગુલાબી ઠંડીનો માહોલ જોવા મળ્યો હતો. ધીમે-ધીમે લઘુતમ તાપમાન નીચે જતું રહેશે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ રૂમના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ૨૦.૫ ડીગ્રી મહત્તમ તાપમાન ૩૨ ડીગ્રી, હવામાં ભેજ ૭૦ ટકા, પવનની ગતિ ૧૦ થી ૧૫ કિ.મી. પ્રતિકલાક જોવા મળી હતી. ગુજરાતના અન્ય શહેરો કરતા જામનગર દરિયાકાંઠે હોય ભેજનું પ્રમાણ પણ વધે છે, એટલું જ નહીં ઠંડો પવન પણ અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે. જો કે મોટાભાગના ચેકડેમો ભરાઇ ગયા છે, જેને કારણે પીવાના પાણીની કે ખેતીમાં અપાતા પાણીને કોઇ મુશ્કેલી નહીં પડે.
જામનગર સહિત સૌરાષ્ટ્રના કેટલાક ગામડાઓમાં પાછોતરા વરસાદ બાદ કપાસ બગડવાની થોડી શકયતા વધી ગઇ છે અને તેમાં જીવાત શરૂ થઇ છે જેને કારણે ફાલ ખરી જવાની તેવી ગંભીર સ્થિતિનું પણ કયાંક નિર્માણ થયું છે જેથી ખેડુતોને ભારે નુકશાન થવાની શકયતા છે.