વૈશ્વિક તેલ વ્યાપારના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Hormuz Strait) ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ ટળ્યા બાદ આ માર્ગ પરથી ક્રૂડ ઓઈલથી ભરેલા જહાજોની અવરજવર શરૂ થઈ ગઈ છે, જેનાથી ભારત સહિત વિશ્વના અનેક દેશોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ, આ દરમિયાન ઓમાને એક એવું નિવેદન આપ્યું છે જેણે અમેરિકા, યુરોપ અને આરબ દેશોની ચિંતામાં મોટો વધારો કરી દીધો છે. બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર, ઓમાને સંકેત આપ્યા છે કે હવે હોર્મુઝ પસાર કરવા માટે જહાજોએ 'ટોલ ટેક્સ' કે શુલ્ક ચૂકવવો પડી શકે છે.
યુદ્ધ પહેલા જેવી સ્થિતિ હવે નહીં રહે: ઓમાન
રિપોર્ટ અનુસાર, ઓમાનના સત્તાધિશોએ યુરોપિયન અધિકારીઓ સાથેની ખાનગી વાતચીતમાં સ્પષ્ટ કર્યું છે કે, હોર્મુઝ સ્ટ્રેટ પર જહાજોની અવરજવર અને કામકાજ હવે યુદ્ધ પહેલા જેવી સ્થિતિમાં પાછું આવી શકે તેમ નથી. આ વ્યૂહાત્મક જળમાર્ગ પરથી પસાર થતા જહાજો પર પ્રદૂષણ નિયંત્રણ અને નેવિગેશન (નકશા અને દિશા-નિર્દેશન) માં મદદ જેવી સેવાઓ માટે ચાર્જ વસૂલવામાં આવી શકે છે. જોકે, ઓમાને એમ પણ ઉમેર્યું છે કે તેઓ આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદાઓનું પાલન કરવાનું ચાલુ રાખશે.
ઓમાન પર ઈરાનનું દબાણ?
નિષ્ણાતોના મતે, ઓમાનના વલણમાં આ બદલાવ ઈરાનના ભારે દબાણને કારણે આવ્યો છે. ખાનગી વાતચીતમાં ઓમાનના અધિકારીઓએ સ્વીકાર્યું છે કે તાજેતરના સંઘર્ષ દરમિયાન ઈરાને ઓમાન સહિતના સમગ્ર વિસ્તારમાં મિસાઈલો અને ડ્રોન છોડ્યા હતા. અમેરિકા અને ઈઝરાયેલે વળતા હુમલા કર્યા હોવા છતાં, ઈરાન હજુ પણ પર્શિયન ગલ્ફ (અખાત) માં એક મોટી સૈન્ય તાકાત છે. ઈરાન હવે ઓમાન સાથે મળીને આ દરિયાઈ માર્ગના ટ્રાફિકનું સંચાલન કરવા માંગે છે. ઓમાન હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સંતુલન જાળવવાની મુશ્કેલ સ્થિતિમાં ફસાયેલું છે.
વૈશ્વિક અર્થતંત્ર પર શું અસર થશે?
જો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર કોઈ પણ પ્રકારનો ટેક્સ કે ટોલ લાદવામાં આવશે, તો વૈશ્વિક શિપિંગ કંપનીઓ અને કોમોડિટી વેપારીઓને દર વર્ષે અબજો ડોલરનું નુકસાન વેઠવું પડશે, જેની સીધી અસર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને અન્ય ચીજવસ્તુઓના ભાવ પર પડી શકે છે. આ મુદ્દો એટલો ગંભીર બન્યો છે કે 29 મેના રોજ પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક વચ્ચે યોજાનારી બેઠકમાં પણ આ અંગે ચર્ચા થવાની સંભાવના છે.