BREAKING NEWS

યુરોપમાં ભયાનક હીટવેવ: સ્વિટ્ઝર્લેન્ડના ગ્લેશિયર્સ ૩ મહિના વહેલા પીગળ્યા; સર્જાયું મોટું ક્લાયમેટ કટોકટીનું સંકટ

  • June 27, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર યુરોપ ખંડ હાલમાં ભયાનક હીટવેવ (ભીષણ ગરમી) ના ભરડામાં સપડાયો છે. ફ્રાન્સથી લઈને સ્વિટ્ઝર્લેન્ડ સુધી સૂર્યદેવ આકરા મિજાજમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે હવે એક ગંભીર જળવાયુ સંકટ (Climate Crisis) ઊભું થયું છે. આ આકરી ગરમીની સૌથી વિપરીત અને ડરામણી અસર સ્વિટ્ઝર્લેન્ડના પ્રખ્યાત આલ્પ્સ પર્વતમાળાના ગ્લેશિયર્સ (બરફની નદીઓ) પર જોવા મળી રહી છે, જ્યાં આ વર્ષે રેકોર્ડબ્રેક માત્રામાં બરફ પીગળી જવાની આશંકા સેવાઈ રહી છે.

સામાન્ય કરતાં ૩ મહિના આગળ ચાલી રહી છે પ્રક્રિયા
સ્વિટ્ઝર્લેન્ડમાં ગ્લેશિયર મોનિટરિંગ (GLAMOS) ના વડા મેથિયાસ હુસે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, "અમે સમગ્ર આલ્પ્સ પર્વતમાળામાં બરફને ખૂબ જ ઝડપથી પીગળતો જોઈ રહ્યા છીએ. સામાન્ય પરિસ્થિતિની તુલનામાં આપણે હાલમાં ત્રણ મહિના આગળ ચાલી રહ્યા છીએ." આ ગતિ પરથી અંદાજ છે કે આગામી સોમવાર સુધીમાં સ્વિટ્ઝર્લેન્ડ 'ગ્લેશિયર લોસ ડે' (Glacier Loss Day) સુધી પહોંચી જશે.


શું છે આ 'ગ્લેશિયર લોસ ડે'?

'ગ્લેશિયર લોસ ડે' એ વર્ષનો એ સમયગાળો છે જ્યારે પાછલી શિયાળાની ઋતુમાં જામેલો નવો બરફ સંપૂર્ણપણે પીગળી જાય છે. આ દિવસ આવ્યા પછી ઓક્ટોબર મહિના સુધી બરફ પીગળવાનો દરેક દિવસ ગ્લેશિયરના મૂળ અને સદીઓ જૂના બરફના જથ્થાને નુકસાન પહોંચાડે છે, જેનાથી ગ્લેશિયર્સ સતત સંકોચાઈ રહ્યા છે.


ઇતિહાસમાં બીજી વાર સર્જાઈ આવી સ્થિતિ 
વર્ષ 2000 માં ગ્લેશિયર્સનો રેકોર્ડ રાખવાનું શરૂ કરાયા બાદ, ઇતિહાસમાં આ બીજી એવી ઘટના છે જ્યારે આ દિવસ આટલો વહેલો આવી રહ્યો છે. આ પૂર્વે વર્ષ 2022 માં 26 જૂનના રોજ 'ગ્લેશિયર લોસ ડે' નોંધાયો હતો. આ વર્ષે આ દિવસ વહેલો આવવા પાછળ યુરોપનો ભીષણ હીટવેવ, મે મહિનામાં અનુભવાયેલું અસામાન્ય ગરમ વાતાવરણ અને શિયાળા દરમિયાન થયેલી ઓછી બરફવર્ષા જવાબદાર છે. આ સ્થિતિ વૈશ્વિક પર્યાવરણ માટે એક મોટો ખતરો માનવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News