જામનગર પંથકમાં દેશી દારુ અંગે વ્યાપક દરોડા

  • July 28, 2022 10:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોટાદના દારુકાંડ બાદ શહેર, જીલ્લામાં તવાઇ : દારુ, આથો અને ભઠ્ઠીના સાધનો જપ્ત કરતી પોલીસ

બોટાદ-વરવાળાના ઝેરી દારુ કાંડે રાજયમાં ખળભળાટ મચાવ્યો છે, દરમ્યાનમાં જામનગર શહેર, જીલ્લામાં પોલીસ દ્વારા દેશી દારુના ધંધાર્થીઓ અને હેરાફેરી કરનારા તત્વો પર તવાઇ બોલાવી છે, છેલ્લા બે દિવસ દરમ્યાન અલગ અલગ વિસ્તારોમાંથી દેશી દારુનો જંગી જથ્થો, આથો, ભઠ્ઠીના સાધનો સહિતનો મુદામાલ જપ્ત કરાયો છે, ગઇકાલે ૫૦ જેટલા કેશ નોંધાયા હતા, દરમ્યાન વધુ કેશ કરવામાં આવ્યા છે.
ગઇકાલે સાધના કોલોની પહેલા ગેઇટ પાસે સીટી-એ પોલીસે વિપુલ જોશીને ૫૫૦ લીટર દેશી દારુ સાથે પકડી લીધો હતો જેમા હિતેશ ચાવડાની સંડોવણી ખુલી હતી આ ઉપરાંત અન્ય સ્થળોએ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં શહેર, જીલ્લામાં ૫૦ જેટલા દેશી દારુના નાના મોટા કેશ કરવામાં આવ્યા હતા, જાણવા મળતી વિગત મુજબ જામનગરના નીલકમલ સોસાયટી, જાગૃતીનગરમાં રહેતી ગીતાબા ભરતસિંહ વાઘેલાને ત્યાં દેશી દારુની ભઠ્ઠી ચાલતી હોવાની વિગતોના આધારે સીટી-સી પોલીસે દરોડો પાડી ૯૦ લીટર દારુ, ૬૨૫ લીટર આથો, ભઠ્ઠીના સાધનો મળી ૬૯૫૦નો મુદામાલ કબ્જે લેવાયો હતો.
જયારે મહાદેવનગર પાણીના ટાંકા પાસે મંજુબેન માવજી મકવાણાને ત્યાં ભઠ્ઠી ચાલુ હોય પોલીસે દરોડો પાડી ૫ લીટર દેશી દારુ અને ૩૦ લીટર આથો તથા સાધનો કબ્જે કર્યા હતા. મહાદેવનગરમા શાંતાબેન કિશોર મકવાણાને ત્યા ચાલુ દેશીની ભઠ્ઠી પર સીટી-સીએ દરોડો પાડી ૫ લીટર દારુ, ૩૦ લીટર આથો અને ભઠ્ઠીના સાધનો જપ્ત કર્યા હતા.
આ ઉપરાંત જામનગર નજીક બાળા ગામે રહેતા ભીખુભા ઉર્ફે બાબભા જુવાનસિંહ જાડેજા નામનો શખ્સ મકાનની આગળ બાવળની ઝાડીમાં દેશી દારુ બનાવવાનો આથો રાખ્યો હોય આથી પંચ-એ દ્વારા દરોડો પાડી ૩૫ લીટર કાચો આથો જપ્ત કર્યો હતો જયારે આરોપી ફરાર થઇ ગયો હતો તેમજ કાલાવડના મોટાવડાળા ગામમાં રહેતી રામુબેન ધારશી સાડમીયાને ૧૦ લીટર કાચા આથા સાથે અટકાયત કરાઇ હતી અને કાલાવડના ખાનકોટડામાં રહેતા ભુરા વાલા વાઘેલાને ૧૫ લીટર દેશી દારુ બનાવવાના આથા સાથે દબોચી લીધો હતો. આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પોલીસ દ્વારા દેશી દારુ અંગે દરોડા પાડવામાં આવતા ફફડાટ ફેલાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application